મ્યુનિ.ને પાંચ વર્ષમાં 1.53 લાખ ફરિયાદો મળી
શહેરમાં છેલ્લા 5 વર્ષમાં મ્યુનિ. દ્વારા રસ્તાઓ બનાવવા તેને રીપેર કરવા પાછળ રૂ. 4383.16 કરોડનો ખર્ચ કર્યો છે. જોકે તેમ છતાં હજુ પણ શહેરમાં રસ્તાઓની હાલત ખસ્તા છે. શહેરમાં છેલ્લા 5 વર્ષના સમયગાળા દરમ્યાન જ રસ્તાઓ ખરાબ હોવાની સત્તાવાર ફરિયાદ 1.53 લાખ જેટલી નોંધાઈ હોવાનું મ્યુનિ. વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું છે.
આ અંગેની વિગત એવી છેકે, મ્યુનિ. દ્વારા 2020 થી 2024-25 સુધી રોડ પ્રોજેક્ટ દ્વારા 2078 કરોડ, ઝોન દ્વારા રસ્તાઓ દુરસ્ત કરવા 590 કરોડઅને સ્વર્ણીમ યોજના અંતર્ગત રાજ્ય સરકારનાબજેટમાંથી રૂ. 1714.86 કરોડ જેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. રસ્તાઓ નવા બનાવવા. દુરસ્ત કરવા માટે છેલ્લા 5 વર્ષમાં કુલ 4383.16 કરોડની રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા બે વર્ષ પહેલા બજેટમાં શહેરના તમામ વોર્ડમાં 2 વ્હાઇટ ટોપીંગ રોડ લેખે 96 જેટલા વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે તંત્ર દ્વારા હજુ સુધી શહેરમાં 40 ટકા જેટલા રોડ પણ બનાવી શકાયા નથી. છેલ્લા 5 વર્ષમાં આવેલી 1.53 લાખ જેટલી ફરિયાદોને ધ્યાને લઇએ તો રોજનું શહેરમાં 100 જેટલી ફરિયાદો તો રોડ ખરાબ હોવાની જ આવી રહી છે. પ્રતિ વર્ષ ફરિયાદોનું પ્રમાણ પણ વધી રહ્યાં છે