અસારવા સિવિલ હોસ્પિટલના કોર્નર પર વરલી મટકાના જુગારના અદા પર ક્રાઈમ (બ્રાંચે દરોડો પાડયો હતો. પોલીસે દરોડો પાડયો ત્યારે ત્યાં 11 લોકો જુગાર રમવા આવ્યા હતા. જ્યારે એક મહિલા અને એક પુરુષ જુગાર રમાડી રહ્યાં હતાં. પોલીસે સ્થળ પરથી મહિલા સહિત 13ની ધરપકડ કરી હતી. જ્યારે જુગારનો અડ્ડો ચલાવતા બે મુખ્ય આરોપી પકડાયા નથી.
અસારવાનો ફિલિપ ઉર્ફે ચીકુ અમીન અને દીપાજી ઉર્ફે દીપક ઠાકોર સિવિલ હોસ્પિટલના કોર્નર પર જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા હતા. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડ્યો હતો. જોકે પોલીસને જોઈને કેટલાક માણસો ત્યાંથી ભાગી ગયા હતા. જ્યારે પોલીસે કોકીલાબહેન ઠાકોર અને ફકીરમહંમદ મંસૂરી તેમ જ અન્ય 11 માણસ મળીને કુલ 13ને સ્થળ પરથી ઝડપી લીધા હતા. પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતુ કે, કોકીલાબહેન અને ફકીરમહંમદ ચીકુ અને દીપકના વરલી મટકાના જુગારના અડ્ડામાં નોકરી કરતા હતા.
તેઓ સટ્ટો રમવા આવતા ગ્રાહકો પાસેથી પૈસા લઈને તેમને સટ્ટાની સ્લિપ આપતા હતા. જ્યારે સ્થળ પરથી પકડાયેલા 11 માણસ ત્યાં સટ્ટો રમવા આવ્યા હતા. સ્થળ પરથી પોલીસે રૂ.42,200 તેમ જ સટ્ટાના હિસાબ લખેલી સ્લિપો કબજે કરી હતી. જ્યારે દીપક અને ચીકુ હાલ ફરાર છે. પોલીસ ચોકી અને સતત પેટ્રોલિંગ ચાલુ હોવા છતાં શાહીબાગ પોલીસે અત્યાર સુધી રેડ કેમ ન પાડી તેવા સવાલ પણ ઊભા થયા હતા.
મહિલા-પુરુષને રોજના 1 હજાર પગારે રાખ્યાં હતાં
પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ જુગારના અડ્ડા પર સટ્ટો રમવા આવતા લોકો પાસેથી પૈસા લઈને સટ્ટાની સ્લીપ આપવા માટે ચીકુ અને દીપકે કોકીલાબહેન અને ફકીરમહંમદ મંસુરીને નોકરીએ રાખ્યાં હતાં. આ બંને જણને સટ્ટો લખવા માટે રોજનો રૂ.1 હજાર પગાર આપવામાં આવતો હતો.