નિકોલ વોર્ડમાં આવેલા જુદા જુદા 5 રસ્તાઓ છેલ્લા ઘણાં સમયથી બિસ્માર હાલતમાં છે. ખોદકામ કર્યાને 6 મહિના જેટલો સમય વિતી ગયો પરંતુ ડામર નાંખવાના બદલે માત્ર સુકી રેતી નાંખીને કામ પૂર્ણ કરી દેવાયુ છે. એટલે બિસ્માર રસ્તાના લીધે લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. સતત ઉડતી ધૂળના લીધે લોકો શ્વાસની બિમારીનો ભોગ બની રહ્યા છે.
ત્યારે વહેલી તકે આ જુદા જુદા 5 રસ્તાઓનું સમારકામ કરવા મ્યુનિ.ની ઝોનલ ઓફિસમાં રજૂઆત કરાઈ છે.
આ અંગે નિકોલના અગ્રણી અનિષ હિરપરાએ મ્યુનિની ઝોનલ કચેરીમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, વોર્ડમાં નિકોલ ગામથી કેનાલ રોડ. નિકોલ ગામથી રિંગરોડ, ખોડિયાર મંદિરથી ભોજલધામ આશ્રમ, મહાત્મા ગાંધી રોડથી રિંગરોડ અને નિકોલ ફાયર સ્ટેશનથી શ્રીનાથ પાર્ટી પ્લોટ સુધીના પાંચે રોડ પર 6 મહિના પહેલા ખોદકામ કર્યું હતુ. ત્યારબાદ તેનું યોગ્ય સમારકામ કરાયું નહીં. ઉપરાંત રોડ પર સમારકામના નામે રેતી નાંખી દિધી છે. એટલે રોડની આસપાસ રહેતા નાગરિકો અને દુકાનદારોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડે છે. સતત ઉડતી ધૂળના લીધે લોકોને શ્વાસ લેવામા તકલીફ પડી રહી છે. તેમાં પણ સિનિયર સિટીઝન અને બાળકોને ફેંફસાની બિમારીના ભોગ બની રહ્યા છે. બિસ્માર રસ્તાના કારણે અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે.