જુહાપુરાના યુવક પાસેથી ડ્રગ્સનો જથ્થો વેચવા માટે લાવ્યો હતો
આસ્ટોડિયા બગીચા નજીકથી એસઓજીની ટીમે 1.81 લાખના એમડી ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપી પાડયો હતો. યુવકની પૂછપરછ દરમિયાન તે ડ્રગ્સની આદત ધરાવતો હોવાનું તથા ડ્રગ્સના વ્યસનની સાથે સાથે તેણે વેચાણ કરવાનું પણ શરૂ કર્યું હોવાનુંજણાવ્યું હતું.
એસઓજીનીના પીઆઈ એન.ડી. નકુમન અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે, આસ્ટોડિયા વિસ્તારમાં એક યુવક એમડી ડ્રગ્સનું વેચાણ કરવા માટે ફરી રહ્યો છે. જેના આધારે ગુરુવારે સાંજે એસઓજીની ટીમે તે જગ્યાએ વોચ ગોઠવી શંકાસ્પદ યુસુફ પઠાણ (જમાલપુર)ને ઝડપી પાડયો હતો. તેની તપાસ કરતા તેની પાસેથી 18 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું હતું, જેની કિંમત રૂ.1.81 લાખ થાય છે. પોલીસે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને યુસુફની ધરપકડ કરી હતી.
ત્યાર બાદ તેની પૂછપરછ કરતા તે જુહાપુરામાં રહેતા મોહસીન પઠાણ નામની વ્યક્તિ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો વેચાણ માટે ખરીદ્યો હોવાનું સામે આવ્યું હતું. સાથે જ યુસુફને પણ એમડી ડ્રગ્સનું સેવન કરતો હોવાથી તેની સાથે વેચાણ પણ કરવા લાગ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. આથી ડ્રગ્સ કોને કોને વેચ્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.