તંત્રમાં રજૂઆત છતાં અધિકારીઓ માત્ર હૈયાધારણા જ આપે છે
શહેરના શાહીબાગના કેમ્પ રોડ પર પીવાના પાણી પ્રદૂષિત આવી રહ્યા હોવાથી લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. મ્યુનિ.માં ઓનલાઈન ફરિયાદો કરવા છતાં કોઈ ઉકેલ આવતો ન હોવાથી લોકો બિમાર પડી રહ્યા છે.
આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ શાહીબાગના કેમ્પ રોડ પર કલ્પતરૂ એપાર્ટમેન્ટ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણી પ્રદૂષિત આવી રહ્યા છે. પાણીમાં જાણે વોશિંગ પાવડર નાંખ્યો હોય તેમ ફીણવાળુ પાણી આવી રહ્યું છે.ગંદા પાણીના વપરાશના લીધે વિસ્તારના રહીશો ઝાડા-ઉલ્ટી,પેટમાં દુઃખાવો, કોલેરા જેવી બિમારીમાં સપડાઈ રહ્યા છે.
આ મામલે સ્થાનિકો વારંવાર ફરિયાદ કરવા જાય છે. ત્યારે મ્યુનિ.ના અધિકારીઓ કામ થઈ જશે કહીને લોકોને હૈયાધારણા જ આપે છે. પરંતુ વાસ્તવિકતમાં પ્રદૂષિત પાણીની સમસ્યાના ઉકેલની દિશામાં કોઈ કામગીરી કરાતી જ નથી. એટલે રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વોર્ડમાં અધિકારીઓ કે કર્મચારીઓ સમસ્યાના નિરાકરણમાં ઉદાસીનતા દાખવી રહ્યા છે.