મ્યુનિ. દ્વારા અપુરતા પ્રેશરથી પાણી આપવાની સમસ્યાથી શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે
પૂર્વ વિસ્તારમા ઉનાળાની શરૂઆત સાથે ધીમા પ્રેશરથી પાણી આવતા હોવાની ફરિયાદ ઉઠવા લાગી છે. ગોમતીપુર, નિકોલ, સૈજપુર અને સરસપુર વોર્ડમાં મળીને 25 હજારથી વધારે રહીશોને પીવાના પાણી ધીમા પ્રેશરથી આવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. પરંતુ મ્યુનિ દ્વારા પુરતા પ્રેશરથી પાણી અપાતા ન હોવાના લીધે નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દરવર્ષે પાણી ધીમા આવતા હોવા છતાં તેના કાયમી ઉકેલની દિશામાં કામ કરાતું નથી. ત્યારે આ વર્ષે પણ ઉનાળાની શરૂઆતમાં આવી સ્થિતિ છે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસે નહીં તે રીતે કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા સર્જાઈ, તો ભરઉનાળે સમસ્યા વકરે તેવી આશંકા
આ અંગે સૈજપુરના આગેવાન ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, સૈજપુર વોર્ડના મેમ્કોની આસપાસના વિસ્તાર. આંબેડકરનગર, બહુચરનગર, સૈજપુર ટાવર, ફદેલી, અંબિકાનગર, પાટીયાનગર સહિતના વિસ્તારોમાં પાણી સાવ ધીમા પ્રેશરથી આવે છે.
સવારે અડધો કલાકમાં માંડ બે ડોલ પાણી ભરાય તેવી સ્થિતિ નિર્માણ પામે છે. જેના લીધે આ વિસ્તારના 10 હજારથી વધારે રહીશોને પાણી માટે હેરાન થવાનો વારો આવ્યો છે. જ્યારે નિકોલ વોર્ડના આગેવાન અનિસ હિરપરાએ જણાવ્યું હતું કે, નિકોલ ગામ, ગોપાલચોક,પંચવટી પાર્ક, ગણેશ ટેનામેન્ટ, ધર્મકુંજ, શ્રીજી ફલેટ, અમરનાથ પાર્ક, કેટલીક સોસાયટીમાં પાણી ઓછુ આવે છે.તેમાં પણ પ્રદૂષિત પાણી આવી રહ્યું છે. જ્યારે સુવાસ ટેનામેન્ટ, તક્ષશિલા, સુવિધા સોસાયટી, શાંતિવન સોસાયટી. સુરમ્ય ફલેટ, હરીકૃપા સોસાયટી, કર્ણાવતી સોસાયટીમાં પણ ધીમા પ્રેશરથી પાણી આવતા હોવાથી સમગ્ર નિકોલ વોર્ડમાં આશરે 3 હજાર થી વધારે લોકોને પાણી માટે ભારે જહેમત ઉઠાવવાનો વારો આવ્યો છે.
જ્યારે સરસપુર વોર્ડના આગેવાન કુદ્દુસ શેખે જણાવ્યું હતું કે. સરસપુર વોર્ડમાં છેલ્લા કેટલાય વર્ષોથી ધીમા પ્રેશરથી પાણી આવતા હોવાની ફરિયાદો છે. તેમાં પણ ઉનાળામાં આ સમસ્યામાં વધારો થઈ જાય છે. વોર્ડમાં દાઉદી વોરા રોજા, નાગોરી પટેલની ચાલી, પરષોત્તમ પરમાનંદની ચાલી, પરમાનંદ પટેલની ચાલી, મગળ પરમારની ચાલી આસપાસના વિસ્તારમાં ધીમા પ્રેશરથી પાણી આવે છે. ઉપરાંત ઘણી ચાલીઓમાં ધીમાં પ્રેશરથી પાણીની સાથે સાથે પ્રદૂષિત પાણીની ફરિયાદ પણ વધી રહી હોવાથી વિસ્તારના 3 હજારની આસપાસ લોકો હેરાન થઈ રહ્યા છે.
ગોમતીપુરમાં 12 હજારથી વધારે નાગરિકોને હાલાકી
ગોમતીપુરની સમસ્યા અંગે કોર્પોરેટર ઈકબાલ શેખે જણાવ્યું હતું કે,ગોમતીપુર ગામ, ઉષા ટોકિઝ રોડથી ડોકટરની ચાલી, મર્ચન્ટ મિલની ચાલી, મદની મહોલ્લા, પાકવાડા, મોહનલાલની ચાલી, નગરીમિલની સામે 7 ચાલી, નાગપુરવોરાની ચાલી, કોઠાવાલા વોરાની ચાલી, શકરાઘાંચીની ચાલી, શમશેરબાગ, વાઝાવાળી ચાલી. ભારતીનગર વિસ્તારમાં નજીક પાણીની ટાંકી હોવા છતાં ધીમું પ્રેશર આવે છે. એટલે ગરમીની સિઝનમાં પાણીની સમસ્યાના લીધે ગોમતીપુર વોર્ડના 12 હજારથી વધારે લોકો હેરાન થઈ રહ્યાં છે.