ફોન પર વાત કરતા વેપારી એટીએમ ચોરાયાની વાતથી અજાણ
વેપારીની કાગડાપીઠ પોલીસમાં અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ
કાંકરીયા વિસ્તારમાં રહેતા વેપારી એટીએમમાં પૈસા ઉપાડવા ગયા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે નજર ચુકવી તેમનુ એટીએમ કાર્ડ ચોરી લઈ તેમના બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ મળી કુલ રૂપિયા 25 હજાર ઉપાડી છેતરપિંડી કરી હતી આ અંગે વેપારીએ કાગડાપીઠ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કાંકરીયા વિસ્તારમાં અમુલખ ફલેટમાં રહેતા સાગરભાઈ કાપડીયા ભુલાભાઈ ચાર રસ્તા પાસે સાયબર કાફે ચલાવીને ગુજરાન ચલાવે છે. તેઓ બેંક ઓફ બરોડા ગીતામંદિર બ્રાંચમાં ખાતુ ધરાવે છે.
ગત બીજી માર્ચે તેઓ ભુલાભાઈ ચાર રસ્તા પાસે આવેલા બેંક ઓફ બરોડાના એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા. જયાં તેમણે એટીએમથી રૂ. 4હજાર ઉપાડયા હતા. આ દરમિયાન તેમના પર ફોન આવતા તેઓ વાત ચાલુ હતી તેથી પૈસા લઈ નીકળી ગયા હતા. દરમિયાન ચોથી માર્ચે રાતના સમયે તેમના ફોન પર તેમના ખાતામાંથી રૂ. 15 હજાર ઉપડયા હોવાનો મેસેજ મળ્યો હતો. જેની એક મિનિટ પછી બીજા 10 હજાર ઉપડયાનો મેસેજ આવ્યો હતો. જેથી તેમણે બેંકના કસ્ટમર કેરમાં ફોન કરીને એટીએમ કાર્ડ બ્લોક કરાવ્યુ હતુ. ત્યારબાદ બીજા દિવસે બેંકમાં જઈને તપાસ કરતા નારોલ બેંક ઓફ બરોડાના એટીએમમાંથી નાણાં ઉપડયા હોવાની જાણ થઈ હતી. જે તે સમયે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી જો કે પૈસા નહી મળતા અંતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.