મૃતકના ભાઈએ પરિણીતાના સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી
વટવામાં એક પરિણીતાએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મૃતકના ભાઈએ વટવા પોલીસ સ્ટેશનમાં પરિણીતાને તેના પતિ અને સાસુ દ્રારા માનસિક અને શારિરીક ત્રાસ આપવામા આવતો હોઈ તેણીએ આ પગલું ભર્યાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે.
વટવામાં રહેતા રોશનભાઈ હરિજને નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની મોટી બહેન પ્રિતિ(ઉ.25)એ શ્રીરામનગરમાં રહેતા રમેશભાઈ ચૌધરી સાથે અઢી વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાસરીમાં રહેતી પ્રિતીને સાત મહિના સુધી સારી રીતે રાખ્યા બાદ તેના પતિ અને સાસુ ઘરકામની નાનીનાની વાતોમાં હેરાન પરેશાન કરી શારિરીક અને માનસિક ત્રાસ આપતા હતા. જેના કારણે પ્રિતી ત્રણેક વાર તેની સાસરીએથી રિસાઈને પિયર પિયર રહેવા આવી ગઈ હતી. પરંતુ તેનો પતિ માફી માંગીને હવેથી આવુ નહી થાય તેવી બાંહેધરી આપતા તેને ફરીથી સાસરીએ મોકલી દીધી હતી.
દરમિયાન ગત તા 19મીએ રાતના સાડા દસ વાગ્યાના સુમારે રોશનભાઈને તેમની બહેને ફોન કરીને જાણ કરી હતી કે પ્રિતીએ તેની સાસરીમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ જાણતા રોશનભાઈ તેના ઘરેગયા હતા.
જયાં તેમની બહેનને જમીન પર સુવડાવી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સ બોલાવીને પ્રિતીબેનને હોસ્પિટલ લઈ જવાયા હતા જો કે બેભાન અવસ્થામાં રહેલી પ્રિતીબેનનુ સારવાર દરમિયાન મોત મોત નિપજયુ હતુ. આ અંગે રોશનભાઈએ વટવા પોલીસ સ્ટેશનમાં પ્રિતિબેનના પતિ રમેશભાઈ અને તેની સાસુ પાનાપતીદેવી સામે તેની બહેનને લગ્ન પછી નાની વાતોમાં હેરાન પરેશાન કરી માનસિક અને શારિરીક ત્રાસ આપતા તેનાથી કંટાળીને પ્રિતિબેને આત્મહત્યા કરી લીધી હોવા મતલબની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.