ચાર મહિના થયા પણ કાર પરત ન કરતા ફરિયાદ
ધરમ કરતા થાડ પડવા જેવો કિસ્સો શહેરના ખોખરા વિસ્તારમાં બન્યો છે. જેમાં માતાનું અવસાન થયું હોવાથી બે ચાર દિવસ માટે વતન પાટણ જવાનું કહીને એક મિત્રએ વેપારીની કાર લઈ ગયો હતો. પરંતુ ચાર મહિના થઈ ગયા તેમ છતાં મિત્ર કાર પરત આપવા આવ્યો નહી અને તેનો સંપર્ક પણ થતો ન હતો. એટલે કાર લઈને ફરાર થઈ ગયેલા મિત્ર સામે વેપારીએ ખોખરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ખોખરાના મણિયાસાં વિસ્તારમાં રહેતા નરેશભાઈ માયાની (ઉ.39) ઈમ્પોર્ટ એક્સપોર્ટનો વેપાર કરે છે. વર્ષ 2007 માં પોતાના ઉપયોગ માટે ફોરવ્હીલ ગાડી ખરીદી હતી. નરેશભાઈને એક મિત્ર મારફતે વસ્ત્રાલમાં રહેતા ભાવિક ઉર્ફે ગોલ્ડી પંચાલ સાથે મિત્રતા થઈ હતી. ગત જાન્યુઆરી માસમાં નરેશભાઈના ઘરે આવીને ભાવિકે કહ્યું કે મારી માતાનું મૃત્યુ નીપજ્યું છે અને મારા વતન પાટણ ખાતે જવું છે.તમારી ગાડી થોડા દિવસ માટે લઈ જાઉં છું. બે ચાર દિવસમાં પાછો આવીને તમારી ગાડી આપી જઈશ. તેમ કહીને ભાવિક ગાડી લઈને જતો રહ્યો હતો. અઠવાડિયા સુધી ભાવિકનો કોઈ અત્તો પત્તો નહિ લાગતા નરેશભાઈએ તેમને ફોન કરતા કહ્યું કે હજુ થોડા દિવસ લાગશે. હું જલ્દી પાછો આવીને તમારી ગાડી આપી જઈશ તમે ચિંતા કરશો નહી. ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં ફરી ફોન કર્યો તો મિત્ર ભાવિકનો ફોન સ્વિચઓફ આવતો હતો. વસ્ત્રાલમાં તેના ઘરે જઈને તપાસ કરતા જાણવા મળ્યું કે તે ભાડેથી રહેતો હતો અને મકાન ખાલી કરીને જાન્યુઆરી મહિનામાં નીકળી ગયો છે. આ અંગે ખોખરા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.