પ્રાથમિક સુવિધાઓને બાબતે સ્થાનિકો દ્વારા મ્યુનિ.માં રજૂઆત
શહેરના સરસપુર વોર્ડમાં આવેલા જુદા જુદા 10 વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી પીવાના પાણી અને ડ્રેનેજ લાઈન ઉભરાવાની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જેને લઈને લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળતા સ્થાનિક અગ્રણીઓએ ઉત્તર ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિ.કમિશનરને સમગ્ર મામલે લેખિતમાં રજૂઆત કરીને આ સમસ્યાનો તાકિદે ઉકેલવા માંગણી કરી હતી.
મ્યુનિ.માં કરાયેલી રજૂઆત અંગે સ્થાનિક અગ્રણી અબ્દુલ કુદ્દુસ શેખે જણાવ્યું છે કે, સરસપુર વોર્ડમાં દાઉદી વ્હારાના રોજા,હંજર સિનેમા, પરમાનંદ પટેલની ચાલી અને સરસપુર વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી પુરતુ પાણી મળતું નથી. જ્યારે નાર્ગોરીની ચાલી સહિતની આસપાસની વિસ્તારમાં બે વર્ષથી પુરતુ પાણી આવતું નથી. તેવી જ રીતે પરષોતમ પરમાનંદ પટેલની ચાલીમાં પણ પાણી આવતા નથી.
જ્યારે મંગલ પ્રભાતની ચાલીમાં પુરતા પ્રેશરથી પાણી આવતા નથી. જ્યારે ત્રિકમલાલની ચાલી, બોમ્બે હાઉસિંગ આવાસ પઠાણની ચાલીમાં ડ્રેનેજ લાઈન વારંવાર ઉભરાય છે. જ્યારે બાઈ રૂખીની ચાલીમાં અવારનવાર ગટર ઉભરાવાના કારણે ગંદા પાણીની દૂર્ગંધના લીધે રોગચાળો ફાટી નીકળે તેમ છે.