બેરિકેડ હોવાથી રસ્તો સાંકડો થતાં હજારો વાહનચાલકોને હાલાકી
મ્યુનિ.માં રજૂઆત કરવા છતાં રસ્તો બનાવામાં તંત્રની ઉદાસીનતા
શહેરના સીટીએમ ઓવરબ્રિજમાં હાટકેશ્વર તરફ જતાં છેડે પડેલા ભૂવાનું મ્યુનિ દ્વારા સમારકામ કરાયું હતું. સમારકામને પખવાડિયા જેટલો સમય થયો છતાં રોડ પાકો બનાવાયો ન હોવાના લીધે ભૂવાને ફરતે બેરિકેડ મુકેલા છે. જેના કારણે રોડ સાંકડો થતાં ટ્રાફિકજામની સમસ્યાથી હજારો વાહનચાલકો અને રાહદારીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. એટલે રોડનું સમારકામ કરવા લોકમાંગ ઊઠવા પામી છે.
આ અંગે સામાજિક કાર્યકર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે,સીટીએમ ઓવરબ્રિજ બ્રિજથી રામોલ તરફથી આવતો ટ્રાફિક હાટકેશ્વર રોડ તરફ જતો હોય છે. ત્યારે થોડા સમય પહેલા હાટકેશ્વર તરફના રોડ પર ઓવરબ્રિજના છેડે ભૂવો પડયો હતો.
જેના પગલે મ્યુનિ.એ બેરિકેડ મુકીને સમારકામ કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન કામગીરી ચાલતી હોવાના લીધે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડતી હતી. એટલે લોકો માંગણી કરી રહ્યા હતા કે, આ ભૂવાનુ સમારકામ વહેલી તકે પૂર્ણ થાય. જો કે સમારકામ પૂર્ણ થયાને 15 દિવસ જેટલો સમય થઈ ગયો છે.
પરંતુ બેરિકેડ હટાવીને ડામર નાંખીને રસ્તો બનાવાતો નથી. એટલે ભૂવાનું સમારકામ બાદ પણ પાકો રસ્તો બનાવવામાં તંત્રની ઉદાસીનતા લીધે હજુ પણ બેરીકેડ લાગેલા છે. જેના કારણે રસ્તો સાંકડો હોવાના લીધે હજારો નાગરિકોને હેરાનગતિ ભોગવવી પડે છે. જો કે એએમસીની સબઝોનલ કચેરીની સામે જ રોડ બનાવાની કામગીરી કરાતી ન હોવાના લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ત્યારે આ મામલે મ્યુનિ. કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ તસ્દી લેતું જ નથી.