કાગડાપીઠ પોલીસમાં રિક્ષા ગેંગ સામે ફરિયાદ
મધ્યપ્રદેશ વતનમાં જવા માટે એસ ટી બસ સ્ટેન્ડ આવેલા યુવકને સસ્તામાં ટ્રાવેલ્સની ટિકિટ અપાવી દેવાનુ કહીને શટલરિક્ષા ચાલક અને તેના સાગરીતોએ રીક્ષામાં બેસાડી નજર ચૂકવી રોકડા રૂ. 20 હજાર કાઢી લીધા હતા. આ અંગે યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મુળ મધ્યપ્રદેશના બીલય ગામના રહેવાસી અને હાલમાં હિંમતનગરમાં જીઆઈડીસીખાતે એગ્રો કંપનીમાં કામ કરતા કિશોર રાજારામ કાજલે(ઉ.30)ને વતન જવાનુ હોઈ તે એસટી બસમાં બેસીને ગીતામંદિર ઉતર્યો હતો. એક ઓટોરિક્ષાચાલક આવ્યો હતો અને કયા જવુ છે તેમ પૂછતાં કિશોરે મધ્યપ્રદેશ જવાનુ કહેતા રીક્ષાચાલકે તેને સસ્તામાં ટ્રાવેલ્સની ટિકિટ કરાવી આપવાની લાલચ આપીને પોતાની રીક્ષામાં બેસાડી દીધો હતો. એક ઓફિસ પાસે લાવીને ઉતારી દીધો હતો ત્યારબાદ કિશોરે તેના ખિસ્સા ચેક કરતા તેમાં મુકેલા રૂ. 20 હજાર ગુમ હતા.