પ્રયાગરાજના એજન્ટ સામે પણ ફરિયાદ
અમદાવાદ એરપોર્ટ પર રોમાનિયા જતી ફલાઈટના ઈમીગ્રેશન ચેકીંગમાં વીઝાની મુદત વીતી ગઈ હોવા છતાં વીઝામાં મુદત વધારતા નકલી દસ્તાવેજ રજુ કરતા રોમાનીયન નાગરીકને ઈમીગ્રેશન વિભાગે ઝડપી પાડયો હતો. આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં રોમાનીયન નાગરીકે અને તેને નકલી વીઝા સર્ટીફિકેટ બનાવી આપનારા પ્રયાગરાજના શખ્સની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
એરપોર્ટ પર ઈમીગ્રેશન અધિકારી તરીકે ફરજ બજાવતા હંસરાજકુમાર ખરાડી ગત તા 27 મીએ હાજર હતા. ત્યારે ઈમીગ્રેશન કલીયરન્સનુ કામ ચાલતુ હતુ.
આ સમયે એક પેસેન્જરે રજુ કરેલા રોમાનીયાના પાસપોર્ટમાં તેનુ નામ ડ્રેગોમીર મિહાઈ ગાડ્રીએલ( રહે કુબુરેસ્ટિ) લખેલુ હતુ. તેના ડોક્યુમેન્ટ ઓનલાઈન ચેક કરતા તેને ભારતીય વીઝા 90 દિવસનો આપવામાં આવ્યો હોવાનુ અને તેની એકસપાઈયરી ડેટ ઉપરાંત તેને 190 દિવસના વીઝા આપવામાં આવ્યા હોવાનુ જણાઈ આવ્યુ હતુ. આ અંગે પેસેન્જરને પુછપરછ કરતા તેને પ્રયાગરાજ ઉતરપ્રદેશના વીઝા એજન્ટમનોજ જોશીએ નકલી વીઝા ડોકયુમેન્ટ બનાવી આપ્યા હોવાની કબુલાત કરી હતી.
ઈમીગ્રેશન અધિકારી હંસરાજકુમાર ખરાડીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ડ્રેગોમીર મિહાઈ ગાડ્રીએલ. એજન્ટ મનોજ જોશી સામે ફરિયાદ નોંધાવી હતી.