બે એજન્ટ થકી વિદેશ ગયા બાદ ઈમરજન્સી સર્ટી મેળવ્યુ હતુ
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જર્મનીથી ઈમરજન્સી સર્ટીફીકેટ પર આવેલા મૂળ સુરતના યુવકની તપાસ કરતા તે નકલી પાસપોર્ટ પર જર્મની ગયો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે યુવકની અટકાયત કરી વધુ પુછપરછ કરતા બે એજન્ટના નામ બહાર આવ્યા હતા. આ મામલે એરપોર્ટ પોલીસે યુવક અને બે એજન્ટ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જર્મનીથી એક પેસેન્જર પ્રકાશ દવે (રહે.સિધ્ધેશ્વર સોસા., સુરત)કતાર એરવેઝ મારફતે આવ્યો હતો પેસેન્જર એરપોર્ટ પર આવતા જ ઇમિગ્રેશન કાઉન્ટર પર તેની શંકાસ્પદ વર્તણુંક જોઈને ઈમીગ્રેશન અધિકારીએ તેને રોકીને પુછપરછ કરી હતી. આ સમયે પેસેન્જરની ડિપાર્ચરની કોઈ હિસ્ટ્રી ન મળી આવતા કંઇક સંકાસ્પદ હોવાનું ઈમિગ્રેશન વિભાગને લાગ્યુ હતું. જેથી ઇમિગ્રેશન વિભાગે આ મામલે તપાસ કરી તો પ્રકાશ દવેએ એજન્ટ દિશુને 15 લાખ આપ્યા હતા. એજન્ટ દિશુએ અન્ય એજન્ટ મહેશ પાસે જોષી રાકેશ હરીશ નામનો બનાવટી ભારતીય પાસપોર્ટ બનાવડાવ્યો હતો.
જે આધારે આરોપી પ્રકાશ યુરોપ જર્મની ખાતે ગયો હતો. બાદમાં ત્યાંની એમ્બેન્સીમાં પાસપોર્ટ ખોવાઈ ગયાની જાહેરાત કરી હતી. જે ડોક્યુમેન્ટ પર ભારતીય ઈમરજન્સી સર્ટિફિકેટ મેળવીને તે બર્લીન જર્મનીથી આવ્યો હતો અને ઇમિગ્રેશન પર ઝડપાયો હતો. આરોપીની ડિપાર્ચરની હિસ્ટ્રી ન હોવાથી સમગ્ર મામલે ભાંડો ફુટતા આ મામલે એરપોર્ટ પોલીસને જાણ કરાઇ હતી. એરપોર્ટ પોલીસે પ્રકાશ દવે (રહે. સિધ્ધેશ્વર સોસા., સુરત) અને દિશુ તથા મહેશ નામના એજન્ટ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.