ધાબા પરથી ઘરમાં પ્રવેશીને રૂમનુ તાળુ તોડયું
વટવામાં રહેતો એક પરિવાર ગુરુપૂર્ણિમા નિમિત્તે જુનાગઢ ગયો તેમની ગેરહાજરીમાં તસ્કરોએ ઘરના ધાબા પરથી અંદર પ્રવેશીને રૂમના તાળા તોડી સોનાચાંદીના દાગીના રોકડ વગેરે મળીને કુલ રૂ.4.16 લાખની મત્તાની ચોરી કરી હતી. આ અંગે વટવા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
વટવામાં હરેકૃષ્ણ સોસાયટીની બાજુમાં વાલ્મિકીવાસમાં રહેતા હિતેષભાઈ વાઘેલા અને તેમના પરિવાર ગુરુપૂર્ણિમાનો તહેવાર હોઈ જુનાગઢ જવા માટે ગત તા 9 મીએ સવારના નીકળ્યો હતો. ત્યારબાદ તા 11 મીએ રાતે ઘરે પરત ફર્યા ત્યારે જોયુ તો ઘરનો મુખ્ય દરવાજાની જાળીનું તાળુ તુટેલુ હતુ.
અંદર જઈને તપાસ કરતા લોખંડન તિજોરી ખુલ્લી હતી અને સામાન વેરવિખેર હાલતમાં હતો. તપાસ કરતા સોનાના ૩ ચેઈન, વીંટી સોનાનો હાર ચાંદીના અલગઅલગ દાગીના વગેરે મળીને કુલ રૂપિયા 4,16 લાખની મત્તાની ચોરી થયાની જાણ થઈ હતી. પરિવારની ગેરહાજરીમાં ચોર ધાબા પરથી ઘરમાં પ્રવેશીને રૂમના દરવાજાનુ તાળુ તોડીને ચોરી કરી ગયાનુ જણાયુ હતુ.
આ મામલે વટવા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. પોલીસે ચોરન પગેરુ દબાવવા માટે ઘટનાસ્થળની આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજ ચેક કરવાની તજવીજ હાથ ધરી છે. તેમજ આ મોડસ ઓપેરેન્ડીના આધારે પણ તપાસ આદરી છે.