
શહેરના નિકોલ વિસ્તારમાં શુકન ચાર રસ્તાથી રિંગરોડ સુધીનો મોડેલ રોડ બનાવ્યાના 8 મહિના જેટલો સમય થયો છે. ત્યાં તો મોડેલ રોડની ફૂટપાથના પેવર બ્લોક જ બેસી ગયા તો ક્યાંક પેવર બ્લોક ઉખડી ગયેલા જોવા મળી રહ્યા છે. એટલે રોડ બન્યાના 8 મહિનામાં આ સ્થિતિ થઈ હોય તો આગામી દિવસોમાં ફુટપાથની હાલત કેવી હશે તે જોવું રહ્યું.
સ્થાનિક અનિસભાઈએ કહ્યું હતું કે, મ્યુનિ.સત્તાધિશોએ સ્માર્ટ સિટીના નામે નિકોલના શુકન ચાર રસ્તાથી રિંગરોડ સુધીનો મોડેલ રોડ 8 મહિના પહેલા જ બનાવ્યો હતો. જેમાં સાવ હલકી કક્ષાની કામગીરી કરાઈ હોવાની પોલ ખુલી ગઈ છે. કારણ કે નિકોલનાં ગોકુળ પાર્ટી પ્લોટ પાસે ફૂટપાથમાં પેવર બ્લોક બેસી ગયા છે અને અમુક જગ્યાએ ઉખડી જવાની અને તુટી જવાની સમસ્યા જોવા મળી રહી છે. એટલે ફૂટપાથના કામની પોલંપોલ ખુલી ગઈ છે. ત્યારે મ્યુનિ.કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરે તથા ફુટપાથનું સમારકામ કરાવવું જોઈએ.