ઈન્સ્ટાગ્રામ પર મેડીકલ સ્ટડી બ્યુરો નામથી જાહેરાત આપી હતી
શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક ગૃહિણીને બીએસએએમનો અભ્યાસ કરવાની ઈચ્છા હોઈ સોશીયલ મીડીયા પર ઈન્સ્ટાગ્રામ પર મેડીકલ સ્ટડી બ્યુરોના નામે સાયબર ગઠીયાએ સંપર્ક કરીને એડમીશન માટે રૂ. 6.50 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ એડમીશન કઈ કોલેજમાં મળ્યુ તે અંગે પુછપરછ કરતા ગલ્લાંતલ્લા કરીન સંપર્ક કાપી નાંખ્યો હતો. આમ સાયબર ઠગાઈનો ભોગ બન્યાની જાણ થતા ગૃહિણીએ આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મોબાઈલનંબર ઘારકો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર નરોડામા રહેતા ભૂમિકાબેન ચાવડાના પતિ હરપાલસિંહ ડાભીના ઈન્સ્ટાગ્રામ આઈડી પર ગત ઓકટોબર 2023માં મેડીકલ સ્ટડી બ્યુરો નામની એડવર્ટાઈઝ આવી હતી. ભૂમિકાબેનને બીએસએએમનો અભ્યાસ કરવાનો હોઈ તેમના પતિએ આ એડમાં આપેલા નંબર પર એડમીશન અંગે વાત કર્યા બાદ ભૂમિકાબેનને વાત કરવાનુ કહ્યુ હતુ.તેમણે આપેલા ફોન નંબર પર વાત કરતા નીલિમ બેન નામની વાત કરીને કોર્ષ અંગેની વિગતો સમજાવી હતી. બાદમાં કોર્ષના ફી અંગેની વાતચીત કરવા માટે થઈને મનીષ ભાઈનો નંબર આપ્યો હતો.
ભૂમિકાબેનના પતિએ મનીષ ભાઈને ફોન કરીને એડમીશન અને ફી અંગેની વાતચીત કરી હતી. મનીષે દંપતિને બીએસએએમમાં એડમીશન અપાવી દેવાની વાતો કરીને વિશ્વાસમાં લઈને વર્ષ 2023થી 2024 સુધીમાં એક વર્ષની અંદર કુલ 6.50 લાખ રૂપિયા ઓનલાઈન અલગ અલગ એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. બાદમાં હરપાલસિંહ ડાભીએ અનેક વખત ફોન કરીને ફી ભર્યાની રિસીપ્ટ તથા કઈ કોલેજમાં એડમીશન મળ્યું છે તે અંગે મનીષને પૂછતા કાયમ ગોળ ગોળ જવાબ આપ્યા કરતો હતો. આખરે દંપતીએ આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નિલીમ બેન અને મનીષ ભાઈ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.