પ્રેમલગ્ન કર્યા બાદ પતિ ત્રણ વર્ષ સુધી તેડી ગયો ન હતો
લાંભામાં રહેતી યુવતીએ પરિવારને જાણ કર્યા વિના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. યુવકે હાલ હું સેટલ નથી જેથી મારૂ પોતાનુ ઘર લઈને સારી નોકરી મેળવી તને મારી સાથે લઈ જઈશ તેમ કહીને યુવતીને સાથે રાખી નહતી. ત્રણ વર્ષ સુધી રાહ જોયા બાદ યુવતી સામે ચાલીને સાસરીયે ગઈ હતી જયાં સાસરિયાંએ ચાર લાખ રૂપિયા લઈ આવવાનુ કહીને ત્રાસ આપતા યુવતી પોતાના ઘરે પાછી ગઈ હતી. જયાં માતાપિતાને લગ્નની જાણ થતા તેણે હાથે બ્લેડ મારીને આત્મહત્યાની કોશિશ કરી હતી. ત્યારબાદ પતિ તેને તેડી ગયો હતો જો કે ત્યારબાદ સાસરીયાએ ત્રાસ આપતા ઝેરી દવા પી ફરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે વટવા પોલીસે પતિ અને સાસુ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના લાંભા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીએ ત્રણ વર્ષ અગાઉ વટવામાં રહેતા યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. યુવતી અને યુવકે પોતાના લગ્ન અંગેની જાણ પરિવારને કરી નહોતી. ત્રણ વર્ષ વીતી ગયા છતાં પતિ તેની પત્નીને ઘરે લઈ જતો નહી અને હજુ મારે સેટલ થવાનું છે અને મારું પોતાનું મકાન લઈશ એટલે તને લઈ જઈશ તેવા બહાનાં કાઢીને ત્રણ વર્ષ સુધી પત્નીને ટલાવ્યા કરતો હતો. કંટાળીને પત્ની લાંભા ખાતે આવેલી સાસરીમાં આવી પહોચી હતી. જ્યાં આગળ સાસુએ પુત્રવધૂ પાસે દહેજ પેટે રૂપિયા ચાર લાખની માંગણી કરતા પરિણીતા તેના પિતાના ઘરે પાછી જતી રહી અને હાથમાં બ્લેડના ઘા મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
દીકરીના માતાપિતાને જાણ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં આગળ દીકરીએ લગ્ન કરી લીધા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પરિણીતાનો પતિ તેને સાસરીમાં લઈ ગયો હતો. ત્યાં આગળ સાસુએ પુત્રવધૂને ઘૂંઘટમાં રહેવાનું અને ઘરની બહાર નીકળવાનું નહીં કહીને માનસિક ત્રાસ આપવાનું શરુ કરી દીધું હતું. આખરે પરિણીતાએ કંટાળીને સાસરીમાં મચ્છર મારવાનું લિક્વીડ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અંતે પરિણીતાએ તેના પતિ અને સાસુ વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.