યુવકને લોન બંધ કરવાનું કહી ગઠિયાએ રૂ.1.72 લાખ પડાવ્યા
શહેરના પૂર્વ વિસ્તારમાં છેતરપીંડીના બે બનાવમાં કૃષ્ણનગરમાં જુદી જુદી સ્કીમમાં રોકાણ કરવાથી સારુ વળતર મળવાની વાત કરીને યુવકે તેની બહેન અને પાડોશીના મળી કુલ રૂ. 3.47 લાખનુ રોકાણ કરતા તેની સાથે ઠગાઈ આચરવામા આવી હતી. જયારે અન્ય બનાવમાં લોન કલોઝ કરવા જતા ઓનલાઈન સર્ચ કરતા સાયબર ગઠીયાએ રૂ.1.72 લાખ પડાવી લીધા હતા.
પોલીસસૂત્રોમાથી મળતી માહિતી અનુસાર નરોડામાં રહેતા હેપીલ બેલાણીને ગત 23 સપ્ટેમ્બર,2024માં રાતે દિપને ભાવસાર (રહે. મધુવન ગ્લોરી ફલેટ, નિકોલ)એ મેસેજ કર્યો હતો કે અમે ઈન્વેસ્ટમેન્ટનુ કામ કરીએ છીએ રોકાણ કરવાથી સારુ એવુ વળતર મળશે. આ મામલે વાત કરીને હેપીલે શરૂઆતમાં રૂ.10 હજારનુ રોકાણ કર્યુ હતુ જેની સામે 35 દિવસમાં તેને રૂ. 23 હજારનુ વળતર મળતા તેને વિશ્વાસ બેઠો હતો.
આથી હેપીલે તેની બહેન તન્વી અને પાડોશીપ્રદિપ ગોહીલને આ રોકાણ અંગે વાત કરતા તેઓ પણ રોકાણ કરવા માટે તૈયાર થયા હતા. ત્યારબાદ ત્રણએ ભેગા મળીને દિપેનની જુદી જુદી સ્કીમમાં કુલ રૂપિયા 3.47 લાખનુ રોકાણ કર્યુ હતુ. જો કે સમયમર્યાદા વીતી જવા છતાં દિપેને વળતર આપ્યુ નહતુ. આથી તેમણે દિપનને વાત કરતા તેણે ત્રણ મહિનામાં રૂપિયા આવી જશે તેમ કહ્યું હતુ. જો કે લાંબો સમય વીતી જવા બાદ પણ રૂપિયા નહી મળતા દિપેનનો સંપર્ક કરતા ફોન બંધ આવતો હતો.આ અંગે હેપીલે દિપેન સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અન્ય એક બનાવમાં નરોડામાં રહેતા અને લીફટ રીપેરીંગનુ કામ કરીને ગુજરાન ચલાવતા હરેશ શુભરાવએ લેડીંગ કાર્ટ નામની એપ્લીકેશનમાંથી રૂ. 3.61 લાખની લોન લીધી હતી. દરમિયાન તેમની પાસે રૂપિયાની સગવડ થતા લોન ભરપાઈ કરી દેવાનુ નકકી કર્યુ હતુ. આ માટે તેમણે ઓનલાઈન કંપનીના ટોલફી નંબર પર ફોન કર્યો હતો પરંતુ કઈ પ્રતિભાવ મળ્યો નહતો. આ સ્થિતિમાં તેમણે મોબાઈલ એપ્લીકેશનના નામની સેવ કરેલા નંબર પર ફોન કરી લોન કલોઝ કરવાની વાત કરી હતી.
જેથી સામેની વ્યકિતએ પોતાનો એકાઉન્ટ નંબર આપીને રૂપિયા ટ્રાન્સફર કરવાનુ કહેતા હરેશે રૂ. 1.72 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જો કે ત્યારબાદ કંપનીમાંથી હરેશ પર લોન ક્લોઝ કરવા માટે ફોન આવતા તેણે ભરેલા રૂપિયા પહોચ્યા નહી હોવાનું અને તેની સાથે ઠગાઈ થયાનુ ભાન થયુ હતુ.આ અંગે હરેશે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ફોનનંબર ધારક સામે ફરિયાદ નોધાવી છે.