શિક્ષકના ઓળખીતાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાતી હતી
ફોટાનો દુરુપયોગ કરી આઈડી બનાવનાર સામે ફરિયાદ
રામોલમાં રહેતા શિક્ષકના નામની ફેક સોશીયલ મીડીયા આઈડી બનાવીને તેમના ઓળખીતા લોકોને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલીને તેમજ મેસેજ કરીને શિક્ષકના ફોટા તેમજ વીડીયો વાયરલ કરવાની ધમકી આપવાના અજાણ્યા શખ્સ સામે શિક્ષકે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રામોલમાં રહેતા 43 વર્ષીય શિક્ષક એક સ્કુલમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે.
તાજેતરમાં તેમના મિત્રએ શિક્ષકને જાણ કરી હતી કે તેમના નામે ઈન્સ્ટાગ્રામ પર કોઈએ બે ફેક આઈડી બનાવી છે. આથી શિક્ષકે જોયુ તો તેમના નામની આઈડી બનાવીને તેમનો ફોટો અજાણી વ્યકિતએ પ્રોફાઈલમાં મુક્યો હતો. આથી તેમને શંકા ગઈ હતી કે આવી કોઈ આઈડી તેમણે બનાવી નથી જેથી તેમણે તેમના પુત્રને આ મામલે સર્ચ કરવાનું કહેતા તેને પણ આ ફેક આઈડી ઉપરથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. આથી શિક્ષકના પુત્રએ રીકવેસ્ટ સ્વીકારાને સામેની વ્યકિતને મેસેજ કરી પુછપરછ કરતા તેણે ગંદી ભાષામાં જવાબ આપ્યો હતો. ત્યારબાદ તેની સાથે વાતચીત બંધ કરી દીધી હતી.
જો કે અજાણ્યા શખ્સે શિક્ષકના નામની ફેકઆઈડી પરથી રોજ ખરાબ ફોટા અને લખાણ લખીને તેમને બદનામ કરવાનુ શરૂ કર્યુ હતુ. તેમજ સ્ટેટસ ઉપર શિક્ષકના ફોટા મુકતો હતો.
દરમિયાન શિક્ષકને જાણ થઈ હતી કે તેમના ઓળખીતા લોકોને પણ આ ફેકઆઈડી પરથી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલવામાં આવી હતી તેમજ ગાળો બોલીને તેમને પણ હેરાન કરવામા આવી રહ્યા છે. અજાણ્યા શખ્સે શિક્ષકના ફોટા અને વીડીયો સોશીયલ મીડીયામાં વાયરલ કરીને બદનામ કરવાની ધમકી પણ આપવાનુ શરૂ કર્યુ હતુ. અંતે કંટાળીને તેમણે આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.