ઈન્કમટેક્સ રિફંડને નામે સાઈબર ગઠિયા સક્રિય
ફરિયાદો આવવાની શરૂ થતાં પોલીસની અપીલ
ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. જેનો લાભ લઈને સાઈબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે સક્રિય થયા છે. હવે સાઈબર ગઠિયા ઈન્કમટેક્સમાંથી તમારું રિફંડ પેન્ડિંગ હોવાનું કહીને તેની પ્રોસેસ પૂરી કરાવવાના બહાને છેતરપિંડી કરી રહ્યા છે. ગુજરાત સ્ટેટ સાઈબર ક્રાઈમ અને અમદાવાદ સાઈબર ક્રાઈમમાં હાલમાં આ પ્રકારની છેતરપિંડીના કિસ્સા આવવાનું શરૂ થયા છે. પોલીસે લોકોને એલર્ટ રહેવા અને ઈન્કમટેક્સની સત્તાવાર સાઈટનો ઉપયોગ કરવા અપીલ કરી છે.
પોલીસનું કહેવું છે કે સાઈબર ગઠિયાઓ લોકો સાથે છેતરપિંડી કરવાનો કોઈ મોકો ચૂકતા નથી.
તેઓ દરેક વાર, તહેવાર, પ્રસંગ, સારી – ખરાબ ઘટનામાં એક્ટિવ થઈ જાય છે અને તેને હાથો બનાવીને લોકો સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરી દે છે. થોડા સમય પહેલા અમદાવાદમાં પ્લેન ક્રેશ થયુ ત્યારે પણ સાઈબર ગઠિયાઓ એક્ટિવ થઈ ગયા હતા અને સહાયના નામે પણ લોકો પાસેથી પૈસા પડાવવાનું શરુ કર્યુ હતું.
તેવી રીતે અત્યારે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાના દિવસો હોવાથી સાઈબર ગઠિયાઓએ રિફંડના નામે લોકો સાથે છેતરપિંડી કરવાનું શરુ કરી દીધું છે. પોલીસનું કહેવું છે કે છેતરપિંડીમાં ગયેલી રકમ સામાન્ય હોવાથી લોકો ફરિયાદ કરતા નથી. કેટલાક કિસ્સાઓમાં તો ભોગ બનારાને હજુ ખબર નથી તેમની સાથે ઠગાઈ થઈ છે.