ઘણા સમયથી બંને વોર્ડમાં પાણીની સમસ્યાને લઈને મ્યુનિમાં ફરિયાદો થઈ હતી
લીકેજનું રીપેરિંગ, નવી પાણીની લાઈનો નાંખવા સહિત મેઈનટેનન્સનું આયોજન
શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી પાણીની લાઈનમાં લીકેજ અને અપુરતા પ્રેશરથી પાણી આવતા હોવાની ફરિયાદો ઊઠવા પામી છે. જેના પગલે મ્યુનિ દ્વારા લીકેજ પાણીની લાઈનોનું સમારકામ કરવા સહિત નવા નેટવર્ક નાંખવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખોખરા વોર્ડમાં પાણીની લાઈનના જુદા જુદા કામ માટે રૂ. 30 લાખ અને વટવા વોર્ડમાં પાણીના વિવિધ કામ માટે રૂ.18 લાખનો ખર્ચ કરવામાં આવશે. એટલે અપુરતા પ્રેશરથી પાણી આવતા હોવાની સમસ્યાઓનો ઉકેલ આવશે.
મ્યુનિ.ના જણાવ્યા મુજબ, ખોખરા વોર્ડમાં મણિયાસા વિસ્તાર,લક્ષ્મીનારાયણ વિસ્તાર અને ખોખરા ગામતળ અન્ય વિસ્તારમાં જરૂરિયાતવાળી જગ્યાએ પાણીની લાઈનો નાંખવાના અને લીકેજ રીપેરીંગ કરવાના માટે રૂ.10 લાખનો ખર્ચ કરાશે. તેવી જ રીતે વોર્ડમાં ભાઈપુરા વિસ્તાર,જશોદાનગર,ગોરના કુવા તથા અન્ય જરૂરિયાતવાળી જગ્યાએ પાણીના નેટવર્કના કામ કરવા નવી પાણીની લાઈનો નાંખવાના અને લીકેજ રીપેરીંગ કરવાના કામ માટે રૂ.10 લાખનો ખર્ચ કરવામાં આવશે.
જ્યારે વોર્ડમાં ઘોડાસર દક્ષિણી વિસ્તાર અને અન્ય ગોમતીપુર વિસ્તારમાં જરૂરિયાવાળી જગ્યાએ નેટવર્કના કામ કરવા નવી પાણીની લાઈનો નાંખવા તેમજ લીકેજ રીપેરીંગ કરવા માટે પણ રૂ.10 લાખના ખર્ચે કામગીરી કરાશે.
આ ઉપરાંત મ્યુનિ દ્વારા વટવા વોર્ડમાં જુદા જુદા ઈ.ડબ્લ્યુ એસ કવાર્ટસમાં જુદી જુદી જગ્યાએ પાણીની લાઈનમાં લીકેજ રીપેરીંગની કામગીરી કરવા નવી પાણીની લાઈન નાંખવા અને અન્ય જરૂરી મેઈનટેનન્સની કામગીરી કરવા માટે રૂ.8.30 લાખનો ખર્ચ કરાશે. તેમજ વટવા વોર્ડમાં લાંભા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ પાણીની લાઈનના લીકેજ રીપેર કરવા, પાણીના પ્રેશર સુધારા અને પોલ્યુશન દુર કરવાની મેઈનટેનન્સની કામગીરી કરવા માટે રૂ.9.90 લાખનો ખર્ચ કરવામાં આવશે.







