22 લાખ લઈ મોકલનારા એજન્ટનું મોત થતાં તપાસ અટકી
ગેરકાયદેસર રીતે અમેરીકા ગયેલા લોકોને ડિપોટ કરવાની કાર્યવાહી ટ્રમ્પ સરકાર દ્રારા કરીને હાલમાં 33 જેટલા ગુજરાતીઓને ડીપોર્ટ કરવામાં આવ્યા છે. આ સંજોગોમાં કેનેડાથી બોર્ડર ક્રોસ કરીને ગયેલા મહેસાણાના એક યુવકનો કબુતરબાજીની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે સ્પેશીયલ ઓપરેશન ગ્રુપે રૂ. 22 લાખ આપીને 2009માં અમેરીકા ગયેલા યુવક અને તેને મોકલનારા એજન્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ એરપોર્ટ પર ઈમીગ્રેશન અધિકારી તરીકે ફરજ બજાવતા વિજય ચૌધરી ગત 5 જુલાઈ, 2024 ના રોજ ફરજ પર હતા ત્યારે અમેરીકાથી અબુધાબી થઈને અમદાવાદ આવેલી ફલાઈટનું ઈમીગ્રેશન ચેકીંગ કરતા હતા. દરમિયાનમાં એક પેસેન્જર ધર્મેશ મનુભાઈ પટેલ( ઉ.47 રહે. આદુંદરા, તા કડી જિ.મહેસાણા)એ પોતાનો ભારતીય પાસપોર્ટ બતાવ્યો હતો. ધર્મેશ પટેલના પાસપોર્ટ પર શંકાજતાવિજય ચૌધરીએ પુછપરછ કરતા તેના પાસપોર્ટમાં આવવા જવાના કોઈ સિક્કા નહતી. આ અંગે પુછપરછ કરતા ધર્મેશભાઈએ કહ્યુ હતુ કે 2013માં તેમને અમેરીકા જવું હોઈ કડી તાલુકાના જાસલપુર ગામના એજન્ટ વિષ્ણુભાઈ પટેલે બીજાના પાસપોર્ટમાં તેમનો ફોટો ચોંટાડીને કેનેડાથી બોર્ડર ક્રોસ કરાવીને અમેરીકા મોકલવાનુ જણાવ્યુ હતુ અને આ અંગે રૂ 22 લાખનો ખર્ચ બતાવ્યો હતો. ધર્મેશભાઈ આ માટે તૈયાર થઈ જતા વિષ્ણુભાઈએ તેમને બોગસ પાસપોર્ટ પર અમેરિકા મોકલી દીધા હતા અને નકકી થયા મુજબ રૂ. 22 લાખ ચુકવી દીધા હતા. આ અંગે એસઓજીને તપાસ સોંપવામાં આવી હતી. આ મામલે હાલમાં એસઓજીના પીઆઈ એમ.એસ ત્રિવેદીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ધર્મેશ પટેલ અને વિષ્ણુ પટેલ વિરૂદ્ધ બોગસ પાસપોર્ટ બનાવીને વિદેશ જવાનો ગુનો દાખલ કર્યો છે.
એસઓજીની ટીમે એજન્ટ વિષ્ણુભાઈ પટેલની ધરપકડ કરવા પહોંચી ત્યારે સામે આવ્યું કે, વિષ્ણુ પટેલ અમેરિકાથી તેમના ઘરે આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. વિષ્ણુ પટેલના મોત બાદ એસઓજીની તપાસ અટકી ગઇ છે.