
ડબલ ડેકર રોડથી વાહનચાલકો, રાહદારીઓના નાના-મોટા અકસ્માતની ફરિયાદો
સામાન્ય રીતે રોડ બનાવ્યા બાદ લોકોની સમસ્યા ઉકેલાય પણ અહીંયા હેરાનગતિ વધી
શહેરમાં સામાન્ય રીતે રસ્તા બિસમાર હોવાના લીધે લોકોને હેરાન થવાની સમસ્યા સર્જાતી હોય તેવુ તો આપણે સાંભળ્યું હશે. પરંતુ ખાનપુરમાં મ્યુનિ.એ રોડ બનાવ્યા બાદ લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. કેમકે રોડની યોગ્ય લેવલીંગ એટલે કે મીલીગ કે રીસરફેસ કર્યા વિના જ તેની ઉપર ડામરનું થર નાંખીને રોડ બનાવી દેવાતા રોડ ઊંચો થઈ જતાં રાહદારીઓ અને વાહનચાલકોને અકસ્માત થતો હોવાની ફરિયાદો ઊઠી રહી છે.
આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખાનપુરના સૈયદવાડ વિસ્તારમાં રોડના સમારકામ માટે સ્થાનિકો દ્વારા અવારનવાર મ્યુનિ. કોર્પોરેશનમાં ફરિયાદો કરાતી હતી. પરંતુ તંત્ર દ્વારા રોડનું સમારકામ ટલ્લે ચડાવી દેવાયું હતું. તેના કામમાં મ્યુનિ.એ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. કેમકે રોડનુ સરખુ લેવલ કર્યા વિના જ તેની ઉપર જ ડામરના થર નાંખીને તાબડતોબ રોડ બનાવી દેવાયો છે. હવે રોડની ઊંચાઈ ફુટપાથથી પણ ઊંચી થઈ ગઈ છે.
જ્યારે વચ્ચે રોડ અને ફૂટપાથ વચ્ચેના ગેપના લીધે રાહદારીઓ અને વાહનચાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે. આ ગેપમાં જ ઘણીવાર રાહદારીઓના પગ લપસી જતાં પગમાં ઈજા થવાના કે પડી જવાના બનાવો વધી ગયા છે. જ્યારે ટુ-વ્હીલર પણ આ રોડ નીચે ઉતરી જતાં હોવાના લીધે નાના મોટા અકસ્માતના બનાવો બનતા હોવાની ફરિયાદો ઊઠી રહી છે. આ પ્રને સ્થાનિક કોર્પોરેટરોથી માંડીને મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવા છતાં કોઈ ભૂલ સુધારીને રોડ સરખો કરવાની તસ્દી લેતુ નથી. એટલે તાકીદે રોડનું લેવલીંગ કરવા માગ ઉઠી છે.