ધંધો કરતા બે યુવકો વચ્ચે ભાવ મુદે ઝઘડો થયો હતો
લાલદરવાજામાં સુતરફેણી વેચતા બે વ્યકિતઓ વચ્ચે ભાવતાલ બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં એક પક્ષે સામાપક્ષની સાથે ઝઘડો કરીને છરીથી હુમલો કરતા યુવકને ઈજા થઈ હતી. આ અંગે નારોલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
નારોલમાં રહેતા આમીનખાન પઠાણ લાલદરવાજા ખાતે સુતરફેણી વેચીને ગુજરાન ચલાવે છે. તેમની નજીકમાં રહેતા શાહરૂખ નથ્થનખાન પઠાણ તથા અરબાઝખાન ભુરેખાન પઠાણ પણ તેમની સાથે સૂતરફેણી વેચતા હતા. ગત મંગળવારે – આમીનખાનના મોટાભાઈ – માજીદખાન તથા શાહરૂખખાન – વચ્ચે લાલદરવાજા ખાતે _સૂતરફેણીના ભાવ તાલ બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ
આમીનખાન અને તેમના ભાઈ ઘરે આવી ગયા હતા. ત્યારબાદ સાંજના સમયે તેઓ ઘર પાસે હાજર હતા ત્યારે શાહરૂખખાન અને અરબાઝખાને આવીને તારા ભાઈએ અમને મારેલ છે અમે તેને મારીશુ તેમ કહીને અરબાઝખાને આમીનખાનને પકડી લીધો હતો. આ સમયે શાહરુખખાને પોતાની પાસેની છરી કાઢીને એક ઘા ઝીંકી દેતા તેને ડાબા પડખામાં ઈજા થઈ હતી.
આ સમયે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને વધુ માર મારવાથી બચાવ્યો હતો. ત્યારબાદ આમીનખાનને એલ જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં શાહરૂખખાન અને અરબાઝખાન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.