વેચેલો માલ પરત નહીં લેતાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
શહેરના નિકોલના ગંગોત્રી સર્કલ પાસે મેડિકલ સ્ટોરમાંથી એક યુવકે શ્વાસ લેવાનો પંપ ખરીદ્યો હતો. થોડા સમય બાદ યુવકે મેડિકલ સ્ટોર પર આવીને પંપ પાછો આપીને રૂપિયા પરત માંગ્યા હતા. દરમિયાન સ્ટોરમાં હાજર કર્મચારીએ પંપનુ બોક્સ તુટેલુ હોવાનું કહીને પાછો લેવાનો ઈન્કાર કર્યો હતો. જેના પગલે યુવક અને સ્ટોરના કર્મચારી વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા યુવકે ટેબલ મારી દેતાં સ્ટોરના કર્મીને હાથમાં ફ્રેકચર થયુ હતુ. એટલે તેણે સમગ્ર મામલે યુવક વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, મૂળ નાસિકના વતની અને હાલ નિકોલમાં ગંગોત્રી સર્કલ પાસે રહેતા 24 વર્ષીય રાજેશ વાઘેલા તેના માતાપિતા અને પરિવાર સાથે રહે છે. રાજેશ ઠક્કરનગરમાં આવેલા સરદાર મોલમાં આવેલી ખાનગી હોસ્પિટલના મેડીકલ સ્ટોરમાં શિફ્ટ પ્રમાણે નોકરી કરે છે. ગત 1જુનના રાત્રીના સમયે રાજેશ મેડીકલ સ્ટોર પર હાજર હતો અને એક અજાણ્યો શખ્સ આવ્યો અને શ્વાસ લેવાનો પંપ માંગતા રાજેશે પંપ આપ્યો હતો. બાદમાં અજાણ્યા શખ્સે ઓનલાઈન પેમેન્ટ કરીને જતો રહ્યો હતો. ત્યારબાદ રાજેશ રાબેતા મુજબ તેની દુકાનમાં દવાનો સ્ટોક ગોઠવતો હતો.
ત્યારે પંપ લઈને ગયેલો શખ્સ આવ્યો અને પંપ પાછો આપીને રૂપિયા પરત માંગવા લાગ્યો હતો. તેથી રાજેશે જણાવ્યું કે બોક્સ તૂટી ગયેલું છે માટે અમે આ લઈ શકીશું નહીં ત્યારબાદ યુવક અને રાજેશ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં અજાણ્યા યુવકે અચાનક જ દુકાનમાં રહેલું સ્ટીલનું ટેબલ ઉચકીને રાજેશને મારવા જતા બચાવ માટે હાથ વચ્ચે લાવતા તેના હાથમાં ટેબલ વાગી જતા ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. જેમાં હાથમાં ફ્રેકચર થયુ હતુ.