પોકેટકોપ એપમાં આઠ ગુના આચર્યાં હોવાનુ ખુલ્યું
ઈસનપુરમાં તાજેતરમાં થયેલી ઘરફોડ ચોરીમાં પોલીસે રીઢા ઘરફોડને ઝડપી પાડયો હતો. શરૂઆતમાં ચોરે પોલીસ પુછપરછમાં પોતાને આર્થિક તંગી હોઈ રૂપિયાની જરૂર માટે ચોરી કર્યાની વાત કરી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે પોકેટ કોપ એપ્લીકેશન પર આરોપીનો ઈતિહાસ ચકાસતા રીઢા ચોરની પોલ ખુલી ગઈ હતી
ઈસનપુરમાં મહેચ્છા સોસાયટીમાં ગત સાતમી માર્ચે અલયભાઈ શાહના ઘરમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ.4.20 લાખની મત્તાની ચોરી થઈ હતી. આ અંગે ઈસનપુર પોલીસે આરોપી ભાવેશ રાણાભાઈ મકવાણા (ઉ.22 રહે.બળીયાદેવની ચાલી, બહેરામપુરા)ની ધરપકડ કરી રૂ. 1.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ બી એસ જાડેજાએ આરોપીની પુછપરછ કરતા શરૂઆતમાં ભાવેશે પોતાને રૂપિયાની જરૂરત હોઈ ચોરી કર્યાનુ કહ્યુ હતુ. જો કે પોલીસને તેની કબુલાત સામે શંકા જતા તેની વિગતો પોકેટકોપ એપ્લીકેશનમાં નાંખીને તપાસ કરતા ભાવેશ રીઢો ઘરફોડ ચોર હોવાનું ખુલ્યુ હતુ.
ભૂતકાળમાં સને 2022 થી 2024 દરમિયાન ઘરફોડ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીથી આરોપીએ અમદાવાદ શહેરના કાગડાપીઠ, પાલડી, ખોખરા, ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરી, લૂંટ અને મારામારીના આઠ ગુનાઓમાં મળી. કુલ આઠ જેટલા ગુન્હાઓમાં પકડાયેલ ગુન્હેગાર હોવાની વિગતો જાણવા મળી હતી. પોલીસે આરોપી આ મોડસ ઓપરેન્ડીથી ભૂતકાળમાં હજુ વધુ બીજા કોઈ ગુન્હા આચારેલા છે કે કેમ તેમજ કોઈ ગુન્હામાં પકડાયેલ કે વોન્ટેડ છે કે કેમ વિગેરે મુદાસર વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે