ગટરલાઈન નાખવાનું કામ પૂર્ણ થયા બાદ સમારકામ કરાયું નહીં
શહેરના વસ્ત્રાલ વિસ્તાલ ગામનો મ્યુનિ.કોર્પોરેશનમાં સમાવેશ કર્યાને બે દાયકાથી પણ વધારે સમય થયો છતાં મ્યુનિ. દ્વારા નાગરિકોની સમસ્યાઓ ઉકેલાતી ન હોવાની ફરિયાદો ઊઠી છે. તેનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય તેવા બે મહિના પહેલા ગટર લાઈન નાંખી દીધા બાદ રોડનું સમારકામ કરાયુ નથી. જેના લીધે બિસમાર રોડ હોવાથી લોકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. કામગીરી કરવામાં મ્યુનિ તંત્ર ઠાગાતૈયા કરતું હોવાથી સ્થાનિકો પણ ફરિયાદ કરીને થાકી ગયા છે. તંત્રના કાને લોકોની ફરિયાદો સંભળાતી ક્યારે સંભળાશે તેવો સવાલ ઊઠવા પામ્યો છે.
આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા બે મહિનાથી વસ્ત્રાલથી ગતરાળ સુધીના રોડ પર ગટર લાઈન નાખી દેવામાં આવી હતી પરંતુ હજુ પણ રોડનું સમારકામ માટે નાગરિકોને રજૂઆત માટે પણ એકથી બીજી ઓફિસના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. જેના પગલે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. જો કે બે મહિનાથી રોડ તૂટેલો હોવાથી સમગ્ર વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડતા અબાલ-વૃદ્ધ સહિતના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદો ઊઠી રહી છે.