ગેરકાયદે ફ્લેટ તૂટતાં વેપારીએ એડવાન્સની રકમ પાછી માગી
દરિયાપુરમાં રહેતા વેપારીએ કાલુપુરમાં એક ફલેટ બુક કરાવ્યો હતો. જો કે ગેરકાયદે બાંધકામ હોઈ મ્યુનિએ ફલેટ તોડી પાડયા હતા. આ મામલે બિલ્ડરને આપેલી એડવાન્સની રકમ પરત માંગતા બિલ્ડર સહિત ચાર વ્યકિતઓએ વેપારીને હિસાબ કરવા માટે બોલાવીને માર માર્યો હતો. એટલુ જ નહીં તલવારથી હુમલો કરતા વેપારીને ઈજા થઈ હતી.
દરિયાપુરમાં રહેતા અબ્દુલસમદ શેખ સ્ક્રેપનો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે પાંચેક વર્ષ પહેલા અબ્દુલરહેમાન પઠાણે કાલુપુરમાં ફ્લેટની સ્કીમ બહાર પાડી હતી. તેમાં વેપારી અબ્દુલસમદે પોતાનો એક ફ્લેટ બુક કરાવ્યો હતો. અને એડવાન્સ પેટે રૂ.7 લાખ બિલ્ડરને આપ્યા હતા.
છ મહિના બાદ ગેરકાયદેસર જગ્યા પર સ્કીમ બનાવી હોવાથી એએમસીએ ફ્લેટને તોડી પાડયો હતો. ત્યારબાદ વેપારી અબ્દુલસમદે બિલ્ડર અબ્દુલ રહેમાન પાસે ફ્લેટના એડવાન્સ પેટે જે રૂપિયા આપ્યા હતા. તે પરત માંગતા રૂ.1.80 લાખ આપ્યા હતા. બાકીના રૂ.5.20 લાખ આપ્યા ન હતા. ગત 18મેએ વેપારીએ બિલ્ડર અબ્દુલ રહેમાનને ફોન કરીને રૂપિયાની માંગણી કરતા તેને અબ્દુલસમદને દાણીલીમડામાં આવેલી બીજી નવી સાઈટ બનતી હતી, ત્યાં બોલાવ્યો હતો.
જેથી અબ્દુલસમદ ત્યાં ગયો હતો. ત્યાં અબ્દુલ રહેમાન, તેનો ભાઇ અબ્દુલ રજાક, અબ્દુલરઉફ તથા સાજીદ ઉર્ફે લાલા ત્યાં હાજર હતા. ત્યારે હિસાબ કરતા બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો. જેથી ચારેય શખ્સોએ ઉશ્કેરાઇને વેપારી અબ્દુલસમદને માર મારીને તલવારનો ઘા મારીને લોહિલુહાણ થતા તે ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં વેપારીએ મિત્રને ફોન કરીને બોલાવ્યો અને સારવારઅર્થે હોસ્પિટલ પહોચ્યા હતા. આ અંગે અબ્દુલસમદે ચારેય શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.