નવરંગપુરાના ફેક્ટરી માલિકે પાલડીના સાવન એલિમેન્ટમાં 3 BHK ફ્લેટ ખરીદ્યો હતો
બિલ્ડર સૌરીન પંચાલ વિરુદ્ધ ફેક્ટરી માલિકે રૂ. 1.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
નવરંગપુરાના સુહાસભાઈ મહેતા વટવા જીઆઈડીસીમાં કંપની ધરાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, 2019માં તેમને ફ્લેટ લેવાનો હોવાથી તપાસ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ નહેરુનગરમાં આવેલી એપ્ટસ ઇન્ફ્રા પ્રોજેક્ટની ઓફિસે મળવા ગયા હતા અને ત્યાંથી તેમણે 3 અને 4 બીએચકેના ફ્લેટની માહિતી મેળવી હતી, પરંતુ તેમને 3 બીએચકેનો ફ્લેટ લેવાનો હોવાથીએપ્ટલ ઈન્ફ્રા.ના બિલ્ડર સૌરીન પંચાલે તેમને પાલડીમાં આવેલી સાવન એલિમેન્ટ નામની સ્કીમ જોવા મોકલ્યા હતા. સુહાસભાઈ અને તેમના પરિવારના સભ્યોને 3 બીએચકેનો ફ્લેટ પસંદ આવતા ભાવ નક્કી કરીને રૂ.1.55 કરોડમાં તે બુક કરાવ્યો હતો, જેમાંથી તેમણે 1.49 કરોડ બિલ્ડર સૌરીન પંચાલને ચૂકવી દીધા હતા, જેનો સૌરીન પંચાલે રજિસ્ટર્ડ બાનાખત કરી આપ્યો હતો, પરંતુ દસ્તાવેજ કરી આપ્યો ન હતો અને પૈસા પણ પાછા આપ્યા ન હતા. આથી આ અંગે સુહાસભાઈ મહેતાએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બિલ્ડર વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડીની ફરિયાદો થઈ હતી.
સૌરીન પંચાલની પત્નીએ બે મહિલા સહિત પાંચ લોકો સામે વ્યાજખોરી અને ધમકીની ફરિયાદ નોંધાવી
નહેરુનગર વિસ્તારમાં આવેલી એલ કોલોનીમાં રહેતા કોમલબહેન સૌરીનભાઈ પંચાલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ઉષાબહેન જયસ્વાલ, સુરેશભાઈ જયસ્વાલ, રેણુબહેન જયસ્વાલ, અજયભાઈ જયસ્વાલ (મોટેરા) અને નીરજ ગુર્જર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ લોકોએ તેમના પતિએ પાંચ ટકા વ્યાજે રૂ. 2 કરોડ લીધા હતા, જેની સામે રૂ. 6.5 કરોડ ચૂકવી દીધા હતા તેમ છતાં રૂ.30 લાખ ચૂકવવાના બાકી હોવાનું કહીને પૈસાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની અને પરિવારના સભ્યોનું અપહરણ કરવાની ધમકી આપતા હતા.