દરેક સ્કૂલમાં આચાર્યના અધ્યક્ષ પદે શિસ્ત સમિતિ રચના કરાશે
સેવન્થ ડે સ્કૂલની ઘટનાને પગલે શહેર ડીઈઓએ અમદાવાદ શહેરમાં આવેલી સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ, અને ખાનગી પ્રાથમિક તથા માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સલામતી, સુરક્ષાને કેન્દ્રમાં રાખી વિવિધ પગલાં ભરવા આદેશ આપ્યો છે.
સલામતિ અને શિસ્ત વિષયક અનિચ્છનીય ઘટના ન બને તે જોવાની જવાબદારી શાળાની રહેશે. શાળામાં બનતી અસાધારણ ઘટનાની જાણ પણ ડીઈઓ કચેરીને કરવા જણાવાયું છે. સ્કૂલોના સંચાલકો અને આચાર્યોને મોકલેલા પરીપત્રમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના કરવી આ સમિતિની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યાને કેન્દ્રમાં રાખવાની રહેશે. આ શિસ્ત સમિતિમાં સભ્ય તરીકે શાળાના આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થીનો સમાવેશ કરાશે. આ સમિતિ દ્વારા સમગ્ર શાળા પરિસરમાં, રિસેસ દરમ્યાન, રમતના મેદાનમાં, શાળામાં આવવા-જવાના સમયે સલામતીની વ્યવસ્થાની જાળવણી થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. સાથે જ શિક્ષકો વર્ગખંડમાં ગેરહાજર હોય ત્યારે વિદ્યાર્થીઓ એકલા ન બેસે અને અભ્યાસ સાથેની પ્રવૃત્તિઓમાં જોડવાના રહેશે. વિદ્યાર્થીઓ નિર્ભયતા પૂર્ણ વાતાવરણમાં શિક્ષણકાર્ય મેળવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.







