ગોમતીપુરના યુવકની 3 વ્યાજખોરો સામે ફરિયાદ, 2ની ધરપકૂડ
વ્યાજખોરો સામે કડક ઝુંબેશ ચલાવવા છતાં શહેરમાં વ્યાજખોરોનો ગેરકાયદે નાણાં ધીરવાનો ધંધો બિન્દાસ્ત ચાલી રહ્યો છે. ત્યારે ગોમતીપુરમાં જુગારની લતે ચડેલો યુવક મોટી રકમ હારી ગયો હતો. એટલે જુગારમાં હારેલી રકમ ચુકવવા માટે તેણે 3 વ્યાજખોરો પાસેથી ટુકડે ટુકડે 18 ટકા લેખે રૂ.60 લાખ વ્યાજે લીધા હતા. જો કે યુવકે જુગાર રમીને તમામ વ્યાજખોરોને મુડી અને વ્યાજની રકમ ચુકવી દીધી હતી. તેમ છતાં ત્રણેય વ્યાજખોરોએ વધુ વ્યાજની લાલચમાં પેનલ્ટીના નામે રૂ.20 લાખની માંગણી કરી હતી. ઉપરાંત પેનલ્ટીની રકમ નહીં આપે તો તેન જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. એટલે કંટાળેલા યુવકે ત્રણેય વ્યાજખોર સામે ગોમતીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે બે વ્યાજખોરની ધરપકડ કરી લીધી છે.
ગોમતીપુરમાં પત્ની અને બાળકો સાથે રહેતા મોહમદ નવાબ શેખ (ઉ.30) નામનો યુવક જુગાર રમીને પૈસાદાર બનવાના મોટા મોટા સપના જોતો હતો. દરમિયાન યુવક જુગારમાં રૂપિયા 60 લાખ હારી ગયો હતો. એટલે બાપુનગરના શ્યામ શિખર પાસે આવેલા ત્રણ વ્યક્તિ પાસેથી યુવકે વર્ષ 2023-24 દરમિયાન 18% રૂ.60 લાખ વ્યાજે લીધા હતા. નવાઈની વાત એ છે કે, વ્યાજે લીધેલા તમામ નાણા યુવકે જુગાર રમીને વ્યાજ સહીત ચૂકવી દીધા હતા. તેમ છતાં વ્યાજખોરો વધુ વ્યાજની લાલચમાં આવીને પેનલ્ટી પેટે રૂ.20 લાખ માંગતા હતા. પરંતુ યુવકે 1 ઈનકાર કરતા ત્રણેય વ્યાજખોરોએ યુવકના બે મકાન તથા રખિયાલમાં તેના પિતાની દુકાનના દસ્તાવેજ પણ કબજે લઇ લીધા હતા.
ત્યારબાદ યુવક જુગારમાં રૂપિયા હારતો જ રહ્યો હતો એટલે વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયેલો યુવક પરેશાન હતો. આખરે યુવકે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગોમતીપુર પોલીસે વ્યાજખોર રાજેન્દ્ર ઉર્ફે કેપ્ટન રાઠોડ, કીર્તન ઉર્ફે ગોલુ ભેસાનીયા, નીખીલભાઈ ઉર્ફે બચ્ચન શાહ સામે વ્યાજખોરીનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.