ચોરીની બંને ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ
શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એક જ બેંકની બે જવાહર ચોક અને રામબાગમાં આવેલી બ્રાંચની બહાર લોબીમાં મુકેલા ચેક ડ્રોપબોકસને તોડીને તેમાંથી ચેકની ચોરી કરવાની બે ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ચેક ચોરીની બંને ઘટના બેંકના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગઈ છે.
વસ્ત્રાલમાં રહેતા તરૂણભાઈ સોલંકી મણિનગર જવાહર ચોક ખાતે આવેલી આઈસીઆઈસીઆઈ બેંકમાં • મેનેજર તરીકે ફરજ બજાવે છે ગત તા. 23 માર્ચે બેંકમાં રજા હોઈ – તેઓ કામસર બહારગામ ગયા -હતા. દરમિયાન તેમને મુંબઈ – હેડઓફિસેથી જાણ કરવામાં આવી હતી કે, બેંકની શાખામાં અજાણી વ્યક્તિએ લોબીમાં લગાવેલા ચેકડ્રોપ બોકસને તોડવાની કોશિશ કરી છે. આથી તરૂણભાઈએ બેંકના કર્મચારીને તપાસ કરવાનુ કહેતા ડ્રોપબોકસ તુટેલી હાલતમાં હોવાનુ અને તેમાં છ ચેકપડયા હોવાનુ જાણવા મળ્યુ હતુ. દરમિયાન સીસીટીવી ફુટેજ ચેક કરતા 30 થી 35 વર્ષની વયનો અજાણ્યો પુરુષ ચેકડ્રોપબોકસ તોડીને ગ્રાહકોના ચેક ચોરી ગયો હોવાનું દેખાયુ હતુ.
બીજીબાજુ આ જ બેંકની મણિનગર રામબાગ સ્થિત બ્રાંચમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા આશુતોષ જયસ્વાલ ગત 24 માર્ચે બેંક પર ગયા ત્યારે તેમને જાણ થઈ હતી કે ચેકડ્રોપ બોકસ ખુલેલી હાલતમાં છે. તપાસ કરતા તેમાં 60 ચેક પડયા હતા. બાદમાં સીસીટીવી ફુટેજ ચેક કરતા સવારના પાંચ વાગે 30 થી 35 વર્ષનો પુરુષ ચેકડ્રોપ બોકસ તોડીને ચેક લઈ જતો કેમેરામાં કેદ થઈ ગયો હતો. જો કે ત્યારબાદ આ જ પુરુષ સવારના સાત વાગે રીક્ષા લઈને બેંક પર આવ્યો હતો અને ચેકડ્રોપબોકસમાં ચેક નાંખીને પાછો જતો રહ્યો હતો.