અમરાઈવાડીમાં રસ્તા વચ્ચે ઉભેલા લોકોને સાઈડમાં હટાવવા માટે હોર્ન મારવા જેવી સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીમાં ત્રણ વ્યક્તિઓ ઉપર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે યુવકે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોધાવી છે.
અમરાઈવાડીમાં ન્યુ જય પાર્વતીનગરમાં રહેતો અનુજ રાઠોડ ટોરેન્ટ પાવરમાં ડીલીવરી બોય તરીકે નોકરી કરે છે. શુક્રવારે અનુજના મોટાબાપા વસંતભાઈએ કહ્યું હતુ કે તેઓ તેમની દિકરી હીના અને જમાઈ કમલેશભાઈ ત્રણે ઘરે આવતા હતા ત્યારે પ્રગતિ નગર ચાર રસ્તા પાસે ત્રણ છોકરા રોડ પર ઉભા હોઈ તેમને સાઈડમાં ઉભા રહેવા માટે બાઈકનો હોર્ન વગાડતા તેમણે બોલાચાલી કરી હતી. ત્યારબાદ અનુજ તેના મોટાબાપા સાથે પ્રગતિ નગર જતા ત્યાં રોહિત ઉર્ફે ડેની તેના મિત્ર નિખિલ અને સુમિત સાથે ઉભો હતો. આ લોકોને ઝઘડો કરવા અંગે પુછતા તેમણે ઉશ્કેરાઈને ગાળો બોલી મારમારી શરૂ કરી હતી. જેમાં અનુજને તેના મોટાબાપા વસંતભાઈને તે તેમજ ઝઘડામાં વચ્ચે પડનારા તેમના પાડોશી હિતેશભાઈ મકવાણા ઉપર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો.
જેમાં વસંતભાઈને છાતીના ભાગે, હિતેશભાઈને ડાબા થાપાના ભાગે તેમજ અનુજને છાતીમાં ડાબીબાજુએ ઈજા થતા લોહી નીકળવા લાગતા બૂમાબૂમ થતા આસપાસના લોકોએ આવીને તેમને વધુ માર મારવાથી બચાવ્યા હતા. ત્રણે ઈજાગ્રસ્તોને એલ જી હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અંગે અનુજે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં રોહિત ઉર્ફેડેની, નિખિલ અને સુમિત સામે ફરિયાદ નોંધાવી છે.