અમદાવાદ ખરીદી કરવા આવ્યા ત્યારે ગઠિયાઓએ રૂપિયા સેરવી લીધા હતા
પેસેન્જરોને બેસતાં ફાવતું નથી કહી ભાડું લીધા વિના પરિવારને ઉતારી દીધો
કપડવંજથી અમદાવાદ ખરીદી કરવા માટ આવેલા એક યુવકને શટલરીક્ષામાં બેઠેલા ગઠીયાઓએ બેસતા ફાવતુ નથી તેમ કહીને નજર ચુકવી તેના ખિસ્સામાંથી રોકડા રૂ: 13 20 હજાર કાઢી લીધા હતા. આ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને ગણતરીના દિવસોમાં પોલીસે રીક્ષાચાલક અને તેના સાગરીતો મળી કુલ ચારની ધરપકડ કરી હતી. કપડવંજમાં રહેતા શ્યામભાઈ સોલંકી(ઉ.34) મામલતદાર ઓફિસમાં નોકરી કરે છે.
ગત પહેલી જુને તેઓ પરિવાર સાથે અમદાવાદ ખરીદી કરવા માટે આવ્યા હતા. તેમને સિંધી માર્કેટ જવાનુ હોઈ આસ્ટોડીયા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે રીક્ષાની રાહ જોતા હતા. આ દરમિયાન એક રીક્ષાચાલકે તેમને સીંધીમાર્કેટ મુકી જવાનુ કહીને રીક્ષામાં બેસાડયા હતા.
આ રીક્ષામાં પહેલાથી ત્રણ પુરુષો બેઠા હતા. દરરમાયન સારંગપુર પહોચતા સુધીમાં પાછળ બેઠેલા પુરુષોએ બેસતા ફાવતુ નથી તેમ કહીને શ્યામભાઈને આગળપાછળ ઉભા કરીને તેમની પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂ. 20 હજાર કાઢી લીધા હતા. આ તરફ રીક્ષાચાલકે શ્યામભાઈ અને તેમના પરિવારને બીજા પેસેન્જરોને બેસતા ફાવતુ નથી મારે તમારુ ભાડુ જોઈતુ નથી તેમ કહીને રીક્ષામાંથી ઉતારી દઈ રીક્ષા હંકારી મુકી હતી.
ત્યારબાદ શ્યામભાઈએ ખિસ્સા ચેક કરતા રોકડની ચોરી થયાની જાણ થઈ હતી. આ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ અને કોન્સ્ટેબલ ગુલાબભાઈ, કુલદીપસિંહને મળેલી બાતમીના આધારે ચોરી કરનારા ચાર ઈસમોની પોલીસે ધરપકડ કરી હતી.
તેમજ ચોરીના રૂ 20 હજાર તથા ઓટોરીક્ષા મળી કુલ રૂ. 1.90 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં શાહનવાઝ પઠાણ (રહે. મિલ્લતનગર), ધર્મેશ રાઠોડ( રહે. સુરત), હફીઝ સૈયદ(રહે. દાણીલીમડા) અને ઈરફાન છીપા( રહે. છીપા સોસાયટી, દાણીલીમડા)નો સમાવેશ થાય છે.