મસ્કતી માર્કેટમાં ભાડાની દુકાન રાખી માલ લઈ વેપારી ફરાર થતા ફરિયાદ
વેપારીએ ચેક આપ્યા તમામ રિટર્ન થયા પછી મકાન વેચીને ગાયબ થઈ ગયો
દાણીલીમડામાં કાપડનો હોલસેલ વેપારીની સાથે વિશ્વાસ કેળવીને એક વ્યકિતએ 2021માં રૂ. 10 લાખથી વધુ કિંમતનો કાપડનો માલ પોતાની દુકાને મંગાવ્યો હતો. વેપારીએ રૂપિયાની ઉઘરાણી કરતા સામેપક્ષેથી પાંચ ચેક આપ્યા હતા જો કે તમામ ચેક બેંકમાં ભરતા રીર્ટન થયા હતા. વેપારીએ ઉઘરાણીકરતા ગઠીયો ફોન ઉપાડતો નહતો એટલુ જ નહી તેણે ફોન નંબર પણ બદલી નાખ્યા હતા. વેપારીએ તેના ઘરની તપાસ કરતા તે મકાન પણ બીજાને વેચાણ આપી દીધુ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. અંતે આ મામલે વેપારીએ રૂ. 10.72 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.
જમાલપુરમાં રહેતા ઈમરાનભાઈ રીંછડીવાલા દાણીલીમડા વિસ્તારમાં રીંછડીવાલા કંપાઉન્ડમાં ગોડાઉન ધરાવી
હોલસેલમાં કાપડનો વેપાર કરે છે. તેમના કાપડના એજન્ટ જનક ખત્રી મારફતે તેમની ઓળખાણ વેપારી વિજયકુમાર મતાઈ સાથે થઈ હતી. આ વિજયે તેમના ગોડાઉન પર આવી કાપડનો માલ જોઈને ગત જાન્યુ. 2021માં રૂ. પાંચ લાખનો માલ ખરીદવાની વાત કરીને માલ મસ્કતી માર્કેટ કાલુપુર ખાતે મોકલી આપવાનુ કહ્યુ હતુ. ત્યારબાદ અઠવાડીયા પછી માલના રૂપિયાની ઉઘરાણીકરતા વિજયે ફોન કરીને તમે મને બીજો માલ મોકલી આપો તો બંનેના રૂપિયા સાથે આપી દઈશ.
ઈમરાનભાઈએ વિશ્વાસ રાખીને બીજો માલ મોકલી આપતા તેમને કુલ રૂ. 10.72 લાખ લેવાના નીકળતા હતા. ત્યારબાદ ઉઘરાણી કરતા વિજય મતાઈ રૂપિયા આપતા નહતા. વારંવાર ઉઘરાણી કરતા વિજયે કુલ ચાર ચેક ઈમરાનભાઈને આપ્યા હતા. જે બેંક્માં ભરતા તમામ ચેક રીટર્ન થયા હતા. ત્યારબાદ ફોન કરતા વિજયનો ફોન બંધ
આવતો હતો. અન્ય વેપારી પાસેથી બીજો નંબર લઈને કરતા વાયદા કર્યા હતા. ત્યારબાદ તે નંબર પણ બંધ કરી દીધો હતો. આમ વિજય વાંરવાર ફોન નંબર બદલતો રહેતો હતો. ઈમરાનભાઈએ તેના ઘરે જતા વિજયે રૂપિયા આપી દેવાનુ કહ્યું હતુ. જો કે બાદમાં મકાને જતા મકાન બીજાને વેચાણ આપી દીધુ હોવાનુ અને તેની દુકાન પણ ભાડાની હોઈ પાછી આપી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. વારંવાર તપાસ કરવા છતાં વિજયનો કોઈ પત્તો નહી લાગતા અંતે ઈમરાન ભાઈએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં વિજય મતાઈ સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.
છેલ્લા ચાર વર્ષથી વેપારીની શોધખોળ કરવા છતા તેનો કોઈ સંપર્ક થતો ન હતો. તેમજ વેપારી વારંમવાર ફોન નંબર બદલતો હોઈ રૂપિયા પાછા નહી આવે તેમ લાગતા વેપારીએ અંતે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો.