મ્યુનિ.વિપક્ષના નેતા દ્વારા દક્ષિણ ઝોનના એડિશનલ અને આસિસ્ટન્ટ સિટી ઈજનેરને ઉગ્ર રજૂઆત
20 દિવસથી દૂષિત પાણીના લીધે 8 હજારથી વધારે રહીશો હેરાન, 300થી વધારે લોકો બીમારીમાં સપડાયા
શહેરના દાણીલીમડા વોર્ડના બહેરામપુરાના પરિક્ષિતલાલ નગર ક્વાર્ટસ અને ભીલવાસ વાસુદેવ ધનજીની ચાલીમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી ખૂબ જ ગંદુ આવી રહ્યું છે. જેના કારણે 8 હજારથી વધારે રહીશોને હેરાન થઈ ગયા છે. જ્યારે 300 થી વધારે લોકો બિમારીમાં સપડાયા છે. ત્યારે આ મામલે મ્યુનિ.ના વિપક્ષના નેતા શહેઝાદખાને દક્ષિણ ઝોનના એડીશનલ સિટી ઈજનેર અને આસીસ્ટન્ટ ઈજનેરની ઓફિસમાં જઈને ઉગ્ર રજૂઆત કરી હતી.
જો ૩ દિવસમાં દૂષિત પાણીની સમસ્યા ઉકેલાશે નહીં તો મ્યુનિ. ના અધિકારીઓના ઘરોમાં પ્રદૂષિત પાણી નાંખવાની ચીમકી ઉચ્ચારી છે. પ્રદૂષિત પાણીના લીધે એક બાળકીનું મોત થયું છો તો શુંઅધિકારીઓ તેની જવાબદારી લેશે? તેવો વેધક સવાલ પણ કર્યો હતો.મ્યુનિ.ના દક્ષિણ ઝોનના એડીશનલ અને આસિસ્ટન્ટ સિટી ઈજનેર પાસે પ્રદૂષિત પાણી બોટલમાં લઈ જઈને પાણીની સમસ્યા અંગે રજૂઆત કરતા વિપક્ષના નેતા શહેઝાદખાને કહ્યું હતું કે, સૌથી પહેલા તમે આ પાણી પીને બતાવો. તમારા પરિવારને આ પાણી પીવાની હિંમત છે. તાજેતરમાં પણ તમને ફોન કરીને આ સમસ્યાના ઉકેલ માટે રજૂઆત કરી હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહીં. પ્રદૂષિત પાણીના લીધે એક બાળકીનું મોત થયું છે શું તેની જવાબદારી તમે લેશો ? લોકો પાણી માટે હેરાન થઈ રહ્યા છે, 70થી 80 લોકો બિમાર પડી ગયા છે, અને તમે એસી ચેમ્બરમાં બેસીને મજા કરી રહ્યા છો આ કયાપ્રકારની નોકરી કરી રહ્યા છો? મારુ ઘર છે ત્યાં જ તમે આવું પાણી પીવડાવો આ નહીં ચાલે.
જમીન ખોદો, પાણીની ટાંકી સાફ કરાવો પણ મારી પ્રજાને આ પાણી શુદ્ધ આપો.જો નાગરિકોને આ પ્રદૂષિત પીવડાવ્યું તો 3 દિવસ પછી તમારો પરિવાર આ પાણી પીશે. તમારી પહેલાના અધિકારીઓ હતા તેમને ઉપર આવું ગંદુ પાણી નાંખ્યુ હતું. તમારી સાથે એવી હરકત નથી કરી રહ્યો. મારી વાતને ઓછી આંકશો નહીં. પોલીસ કેસથી પણ હું ડરતો નથી, પ્રજા માટે લડતાં અત્યારસુધી 10 કેસ થઈ ગયા છે.