દરજીએ હોમલોનના હપ્તા ભરવા માટે વ્યાજે રૂપિયા લીધા હતા
નારોલમાં રહેતા દરજીકામ કરતા પુરુષે હાઉસીંગ લોન લીધી હતી જેના હપ્તા ચડી જતા વ્યાજખોર પાસેથી રૂપિયા લીધા હતા. જો કે વ્યાજખોરે તેમની પાસેથી 11 ટકા વ્યાજના ઈન્સ્યોરન્સ અને ખર્ચના 10 હજાર વગેર મળી રૂ.1.20 લાખમાથી માત્ર 96,800 આપ્યા હતા. ત્યારબાદ રૂ.1.42 લાખનુ નોટરાઈઝ લખાણ કરાવી લીધુ હતુ અને સિકયુરીટી પેટે લીધેલા ચેક બેંકમાં ભરીને રીર્ટન થતા તેમની વિરુદ્ધ નેગો કોર્ટમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ પણ ફોન કરીને રૂપિયાની ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપતા અંતે આ અંગે વ્યાજખોર સામે નારોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
નારોલમાં રહેતા ભૌમિકભાઈ રસાણીયા(ઉ.40) દરજીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની હાઉસિંગ લોન ચાલતી હતી અને લોનના તેના હપ્તા ભરપાઇ કર્યા ન હતા. જેથી લોન ભરપાઈ કરવા તેમને રૂપિયાની જરૂર પડતા વર્ષ 2022માં મિત્ર મિત રાદડિયાને જણાવ્યુ હતુ. આ અંગે મિતએ સુભાષભાઈ કડોલે (રહે. ચાંદખેડા) સાથે સંપર્ક કરાવ્યો હતો. જેમાં સુભાષભાઈએ ભૌમિકભાઈને કુલ રૂ. 1.20 લાખ 11ટકા વ્યાજે આપ્યા હતા. જેમાં વ્યાજના 13200 ખર્ચ પેટે રૂ. 5 હજાર અને ઈન્સ્યોરન્સ પેટે રૂ. 5 હજાર લઈ રૂ. 96,800 જ આપ્યા હતા. ત્યારબાદ સુભાષભાઈએ એડવોકેટની ઓફિસે બોલાવીને રૂ. 1.42 લાખનું નોટિરાઈઝ લખાણ કરાવ્યુ હતુ. તેમજ સિક્યુરિટી પેટેબે ચેકો પણ આપ્યા હતા.
ભૌમિકભાઈ સમયસર વ્યાજ ચૂકવતા હોવા છતા સુભાષભાઈએ એક ચેક બેન્કમાં ભર્યો હતો તેરિર્ટન થતા ગાંધીનગર કોર્ટમાં ભૌમિકભાઈ સામે ફરિયાદ કરી હતી. તેમ છતા સુભાષભાઈએ અવારનવાર પઠાણી ઉઘરાણી કરીને વધુ રૂપિયાની માંગણી કરી હતી. જેથી કંટાળીને ભૌમિકભાઈએ સુભાષભાઈ સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.