ત્રણ માથાભારે શખ્સો સામે વેપારીની ફરિયાદ
નિકોલમાં ત્રણ વ્યક્તિએ વેપારી પાસે દારૂ પીવા માટે રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ વેપારીએ રૂપિયા આપવાની ના પાડતા ત્રણેય વ્યક્તિએ લોખંડની પાઈપથી તેમને ફટકાર્યા હતા. તેઓએ અગાઉ પણ વેપારી પાસે આ રીતે નાણાંની માંગણી કરી હતી. અંતે સમગ્ર મામલે વેપારીએ મારામારી કરનારા ત્રણેય માથાભારે વ્યક્તિઓ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નિકોલમાં રહેતા ભાવેશભાઈ ગોહિલ એમ્બ્રોડરીનો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.6 ફેબ્રુઆરીએ તેઓ રાત્રીના સમયે બાઈક લઈને જીવરાજ પાર્ક સોસાયટી પાસે દૂધ લેવા ગયા હતા. ત્યારે રસ્તામાં સન્ની જાડેજા અને તેના બે મિત્રો ઉભા હતા. જેથી ત્રણેય શખ્સોએ ભાવેશભાઈને રોકી દીધા હતા. ત્યારબાદ તું મને દારૂ પીવાના રૂપિયા આપ નહિ તો અહિથી જવા નહિ દઉ કહીને ઝઘડો કર્યો હતો. પરંતુ ભાવેશભાઇએ રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. એટલે ત્રણેયે ઉશ્કેરાઇને બિભત્સ ગાળો બોલીને ભાવેશભાઈને માર મારવા લાગ્યા હતા. આ દરમ્યાન ક્યાંકથી લોખંડની પાઇપ લાવીને ત્રણેયે શખ્સોએ ભાવેશભાઈને પાઈપથી ફટકાર્યા હતા. બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડીને આવી જતા ત્રણેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા.