કામ નહીં થતાં યુવકની અમરાઇવાડી પોલીસમાં ફરિયાદ
અમરાઈવાડીમાં રહેતા કોલેજીયન યુવકે સોશીયલ મીડીયા પર આવેલી જાહેરાત જોઈ જયોતિષને સારી નોકરી અને છોકરી મળે તે માટે વાત કરી હતી. જયોતિપે કામ કરી આપવાનો વાયદો કરીને વિધિના નામે અલગ અલગ મળી કુલ રૂ.4.30 લાખ પડાવી લીધા હતા. અંતે કામ નહીં થતા યુવકે રૂપિયા પાછા માંગતા જયોતિષે જે થાય તે કરી લેવાની ધમકી આપતા આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.
અમરાઈવાડીમાં રહેતા પ્રિન્સ દેસાઈ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અને સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. બન્યુ એવુ કે ગત એપ્રિલ 2023માં ઈન્સ્ટાગ્રામ પર તેણે એસ્ટ્રોલોજર મયૂર જોશીની રીલ્સ જોઈ હતી જેનાથી પ્રભાવિત થઈને સારી નોકરી અને સારા જીવનસાથી મેળવવા માટે તેણે આપેલા નંબર પર ફોન કરતા મયૂર જોશી સાથે વાત થઈ હતી. શરૂઆતમાં જયોતિપે રૂ. પાંચ હજાર લઈને વોટ્સઅપ કોલ કરીને દેવીદેવતાના ફોટા બતાવીને વિધિ કરી હતી અને 24 કલાકમાં જ તમારુ કામ થઈ જશે તેવુ કહ્યુ હતુ. જો કે 48 કલાક વીતી જવા છતાં કામ નહીં થતા પ્રિન્સે ફોન કરતા મયૂર જોશીએ કહ્યુ હતુ કે તમારે દેવી દોષ ની તકલીફ છે તો તેની વિધિ કરવી પડશે. આ પેટે રૂ. 27 હજાર માગ્યા હતા જે મોકલી આપ્યા હતા. આમ વિવિધ બહાના બતાવીને કુલ રૂ. 4.30 લાખ ખંખેરી લીધા બાદ પણ કામ થયુ નહતુ.