વિસ્તારમાં અપૂરતા પ્રેસરથી પાણીની સમસ્યા
શહેરના અમરાઈવાડી વોર્ડમાં પોસ્ટ ઓફિસ સામે આવેલી જયભવાની નગરમાં છેલ્લા બે મહિનાથી પાણીની લાઈન લીકેજ થઈ ગઈ છે. જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થતો હોય છે, પરંતુ મ્યુનિ દ્વારા લીકેજનું સમારકામ કરાતુ ન હોવાથી વિસ્તારમાં પાણી અપુરતા પ્રેશરથી આવતા હોવાની ફરિયાોદ ઊઠવા લાગ્યા છે.આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, અમરાઈવાડી પોસ્ટ ઓફિસ સામે ન્યૂ જયભવાની નગરમાં બે માસથી પાણીની લાઈન લીકેજ થતાં પાણી રોડ પર ફરી વળે છે. રોડ પર પાણી ભરાઈ રહેતા હોવાથી લોકોને અવરજવર કરવામાં તકલીફ પડે છે.
ઉપરાંત પાણી ભરાઈ રહેતા હોવાથી વિસ્તારમાં લગાવેલા બ્લોક અને પથ્થરો પણ તુટવા લાગતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જો કે પાણીની લાઈનમાં લીકેજના લીધે દરરોજ હજારો લીટર પાણીનો વેડફાટ થતો હોવા મામલે સ્થાનિકો દ્વારા વારંવારમ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીઓમાં ફરિયાદો કરવામાં આવે છે. તેમ છતાં તંત્ર દ્વારા લોકોની ફરિયાદો પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી. એટલે તાકિદે લીકેજ લાઈનનું સમારકામ કરવા લોકો માંગણી કરી રહ્યા છે.નોંધનીય છે કે, પાણી બચાવોની સુફિયાણી સલાહ મ્યુનિ તંત્ર નાગરિકોને આપતુ હોય છે, પરંતુ પાણી બચાવાની બાબત ખુદ તંત્ર બેદરકારી દાખવતુ હોવાનું છાશવારે જોવા મળે છે. શહેરના અનેક વિસ્તારોમાં અવારનવાર પાણી લીકેજની ફરિયાદો ઊઠતી હોય છે. ત્યારે તંત્ર દ્વારા આવી ફરિયાદોમાં તાકિદે કામ કરવામાં નથી આવતું.