વગર વરસાદે ભૂવો પડે છતાં તંત્ર સમારકામમાં વેઠ ઉતારે છે
શહેરના પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર સર્કલથી બાગેફિરદોસ પોલીસ લાઈન તરફ જતાં રોડ પર ભૂવો પડ્યો છે. જ્યારે દાણીલીમડામાં એકતાનગર પાણીની ટાંકી પાસે ડ્રેનેજના મેનહોલનું ઢાંકણુ તુટી ગયેલી હાલતમાં છેલ્લા કેટલાય દિવસથી છે. આમ ભૂવા અને તુટેલા ડ્રેનેજના ઢાંકણાના લીધે રાહદારીઓ અને વાહનચાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે. શહેરમાં વગર વરસાદે ભૂવા પડવાનો સિલસિલો યથાવત છતાં તંત્ર સાવ ઉદાસીન વલણ દાખવી રહ્યું છે.
સ્થાનિકોના જણાવ્યાં મુજબ, હાટકેશ્વર સર્કલથી બાગેફિરદોસ પોલીસ લાઈન તરફ જતા મુખ્ય માર્ગ પર 3 મહિના અગાઉ ભૂવો પડયો હતો. તેનું સમારકામ કર્યા બાદ તાજેતરમાં ચાર દિવસ અગાઉ ફરી ત્યાં જ ભુવો પડ્યો હતો.એટલે મ્યુનિ દ્વારા વેઠ ઉતારવા જેમ ભૂવાનું સમારકામ કર્યું હતું. પરંતુ ફરીથી સોમવારે ત્યાં ભૂવો પડતાં મ્યુનિ.એ સમારકામમાં સાવ લોલંલોલ જેવી કામગીરી કરી હોવાનું સ્પષ્ટ દેખાય છે.
જ્યારે દાણીલીમડા વોર્ડના એકતાનગર પાણીની ટાંકી પાસે મુખ્ય રોડ પર આવેલી ડ્રેનેજના મેન હોલનું ઢાંકણુ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત થઈ ગયું છે. આ રોડ પર બે શાળાઓ આવેલી હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાના બાળકો ત્યાંથી અવરજવર કરતા હોય છે. જેના લીધે કોઈ દૂર્ઘટના ઘટે તેવી આશંકા સેવાઈ રહી છે.