પૂર્વ ઝોનમાં દબાણ હટાવવા એસ્ટેટ વિભાગની કડક કાર્યવાહી
શહેરના પૂર્વ ઝોનના વસ્ત્રાલ વિસ્તારમાં 4 ગેરકાયદે ઈન્ડસ્ટ્રીયલ બાંધકામને મ્યુનિએ સીલ કર્યા હતા. છતાં બાંધકામ કરનારે સીલ તોડીને કામગીરી શરૂ કરતાં મ્યુનિ.એ આશરે 4500 ચો.ફુટમાં થયેલા ચારે ગેરકાયદે બાંધકામ તોડી પાડયા હતા. ઝોનમાંથી જુદી જુદી જગ્યાએ પરવાનગી વિના બાંધેલા પાંચ શેડ દુર કરાયા હતા.
આ અંગે પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા વસ્ત્રાલ વોર્ડમાં વિજય એસ્ટટેમાં ઈન્ડસ્ટ્રીયલ પ્રકારનું પરવાનગી વિના ચાર યુનિટનું બાંધકામ થયુ હતુ. તેને મ્યુનિએ અગાઉ નોટિસો પાઠવીને સીલ કરી દીધુ હતુ. તેમ છતાં બાંધકામ કરનારે સીલ તોડીને બાંધકામ ચાલુ કરતાં મ્યુનિએ જેસીબી મશીન અને બ્રેકર મશીન દ્વારા ગેરકાયદે બાંધકામ તોડી પાડી રૂ.25 હજારનો વહીટવી ચાર્જની પેનલ્ટી વસૂલ કરી હતી. જ્યારે પૂર્વ ઝોન હદ વિસ્તારના જીએસએલએસએના રિપોર્ટમાં સુચવેલા 6 વિસ્તારમાંથી દબાણ હટાવાની કામગીરીમાં 2 નંગ શેડ દૂર કરાયા હતા. જ્યારે 6 લારી, 40 નંગ બોર્ડ, 45 પરચુરણ માલસામાન જપ્ત કર્યો હતો.
જ્યારે બીઆરટીએસ કોરીડોર પરથી ૩ નંગ શેડ દૂર કરાયા હતા. આમ પૂર્વ ઝોનમાં એક જ દિવસમાં હટાવાની કામગીરીમાં કુલ ચાર બાંધકામ, પાંચ શેડ દૂર કરાયા, બે ડમ્પર, 11 લારી. 71 નંગ બોર્ડ, 90 નંગ પરચુરણ સામાન જપ્ત કર્યો હતો. જ્યારે સીએન્ડ ડી વેસ્ટ રાખવા બદલ રૂ.20 હજાર અને ગેરકાયદે જાહેરાત કરવા બદલ રૂ.10 હજારનો દંડ વસૂલ કરાયો હતો.