પૂર્વ વિસ્તારમાં હેલ્થ સેન્ટગ્રાઉન્ડ, સ્કૂલ વેજિટેબલ માર્કેટ બનાવવા માટે કુલ રૂ.18.44 કરોડ ખર્ચાશે
સૈજપુર અને કુબેરનગરના રહીશોને ભૂવાથી છુટકારો મળશે, રૂ.42.92 લાખના ખર્ચે ભૂવાના સમારકામ થશે
શહેરના પૂર્વ વિસ્તારમાં સૈજપુર અને કુબેરનગર વિસ્તારમાં ભૂવાના સમારકામ કરવા માટે મ્યુનિ.એ તૈયારીઓ શરૂ કરી લીધી છે. જ્યારે મણિનગર અને ગોમતીપુરમાં નવું અર્બન હેલ્થ સેન્ટર, ઓઢવમાં પ્લે ગ્રાઉન્ડ, નિકોલમાં નવી સ્કૂલ, નરોડામાં વેજીટેબલ માર્કેટ બનાવવાનું આયોજન કરાયું છે.
જેના માટે મ્યુનિ. દ્વારા કુલ રૂ.18.44 કરોડનો ખર્ચ કરવાનું નક્કી કરાયું છે. એટલે આગામી દિવસોમાં મ્યુનિ. દ્વારા આ તમામ કામોને મંજૂરીની મ્હોર મારવામાં આવશે. એટલે ટુંક સમયમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવાથી લઈને ભૂવાના સમારકામ કરવા સહિત સુવિધાના કામો કરવામાં આવશે.
મ્યુનિ.ના જણાવ્યા મુજબ, સૈજપુર અને કુબેરનગર વોર્ડમાં જુદા-જુદા રોડ પર છેલ્લા કેટલાય સમયથી ભૂવા પડયા છે. આ ભૂવાના લીધે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડતી હતી. એટલે મ્યુનિ. દ્વારા કોલ્ડમીક્ષ ઈન્જેકશન પદ્ધતિથી પોટ હોલ્સ રીપેરીંગ કરવાના કામના ટેન્ડર મંગાવ્યું હતું. એટલે રૂ.42.92 લાખના ખર્ચે કામ કરવા માટે એક કોન્ટ્રાકટરે તૈયારી દર્શાવી છે. આગામી દિવસોમાં તેને મંજૂરી આપીને કામગીરી સોંપવાની દિશામાં કામ કરાશે. જ્યારે મણિનગર વોર્ડમાં કાર્યરત અર્બન હેલ્થ સેન્ટરને ડિમોલીસ કરી નવું સુવિધાયુક્ત અર્બન હેલ્થ સેન્ટર બનાવવાના ટેન્ડર મંગાવ્યું હતુ. જેમાં આ કામગીરી કરવા સૌથી ઓછા ભાવના કોન્ટ્રાક્ટરને રૂ.6.19 કરોડના ખર્ચે કામ સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઓઢવ વોર્ડમાં નિર્મળપાર્કની બાજુમાં આવેલા ટીપીએ. એફ.પી 245ના પ્લોટમાં પ્લે ગ્રાઉન્ડ બનાવવાના કામ માટે એએમસીએ ટેન્ડર મંગાવ્યું છે. જેમાં અંદાજીત ભાવ કરતા 19 ટકા ઓછા ભાવ એટલે કે રૂ.80.22 લાખના ખર્ચે કામ કરવા કોન્ટ્રાકટરે ટેન્ડર ભર્યું હતુ. એટલે ઓછા ભાવના આ ટેન્ડરને મંજૂરી આપીને કામગીરી સોંપવા હિલચાલ ચાલી રહી છે. જ્યારે પૂર્વના ડેવલપ થતાં
નિકોલ વોર્ડમાં નવી સરકારી શાળા બનાવવાની માગ છેલ્લા ઘણાં સમયથી ઉઠી હતી. જેના પગલે મ્યુનિ દ્વારા નિકોલ વોર્ડમાં ટીપી સ્કીમ 103માં દિપક સ્કુલ પાસે આવેલા એફપી 118માં નવી સ્કુલ બનાવવાના કામ માટે ટેન્ડર મંગાવ્યું હતું. જેમાં આવેલા કોન્ટ્રાકટરે અંદાજીત ભાવથી 8.75 ટકા ઓછા ભાવે રૂ.5.23 કરોડના ખર્ચે શાળા બનાવવા તૈયારી દર્શાવી છે. જેના આધારે મ્યુનિ દ્વારા આગામી દિવસોમાં આ કોન્ટ્રાકટરને કામ સોંપવાનું આયોજન કર્યું છે.નરોડા વોર્ડમાં આવેલા ટીપી સ્કીમ નં.2 એફ.પી 116 યુગ રેસીડેન્સીની પાસે ખારીકટ કેનાલ સર્વિસ રોડ પર આવેલા પ્લોટની ઉપર વેજીટેબલ માર્કેટ માટે થડા બનાવવા ટેન્ડર મંગાવ્યા હતા. જેમાં પસંદગી પામેલા કોન્ટ્રાક્ટરે રૂ.2.15 કરોડના ખર્ચે કામ કરવા તૈયારીદર્શાવી છે.
જ્યારે ગોમતીપુર વોર્ડમાં ફાઈનલ પ્લોટ નં.213ના પ્લોટમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવાના કામ માટે બીજી વાર ટેન્ડર મંગાવતા એકમાત્ર કોન્ટ્રાક્ટર આવ્યા હતા. તેણે રૂ.3.64 કરોડના ખર્ચે કામગીરી કરવા તૈયારી દર્શાવી છે. ત્યારે આ સિંગલ ટેન્ડરરની મંજૂરી મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરાઈ છે. એટલે મંજૂરી બાદ મ્યુનિ દ્વારા અર્બન હેલ્થ સેન્ટર બનાવાની કામગીરી સોંપવામાં આવશે.
ઈન્ડિયા કોલોની વોર્ડમાં સિનિયર સિટિઝન હોલ બનાવાશે
ઈન્ડિયા કોલોની વોર્ડના છેલ્લા કેટલાય સમયથી સિનિયર સિટીઝનો દ્વારા વિવિધ માગણી કરાઈ હતી. તેમાં ખાસ કરીને સીનીયર સિટીઝન હોલ બનાવવા તંત્રમાં રજૂઆતો કરાતી હતી. એટલે અંતે મ્યુનિ.એ વોર્ડમાં ચામુંડા બ્રિજ નીચે દરગાહની પાછળ ખુલ્લી જગ્યામાં સીનીયર સિટીઝન હોલ બનાવવાનું આયોજન કર્યું છે. તે પ્રમાણે આગામી દિવસોમાં સિનિયર સિટીઝન હોલ બનાવવાની કામ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવશે.