બુધવારે સાંજે પડેલા વરસાદ બાદ ચારેયકોર પાણી જ પાણી હતુ
શહેરમાં બુધવારે સાંજે ધોધમાર વરસાદ પડતાં પૂર્વના ચાર ઝોનમાં સરેશાર સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જેના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જોકે ગુરુવારે બપોર સુધી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાના લીધે લોકો હેરાન પરેસાન થઈ ગયા હતા. જેમાં વટવા, નિકોલ,ઓઢવ.વસ્ત્રાલ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા હતા. જેના લીધે નાગરિકોને અવરજવર કરવામાં હેરાન થવાનો વારો આવ્યો હતો.
આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, બુધવારે સાંજથી શરૂ થયેલા વરસાદને પગલે પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જો કે ગુરૂવારે પણ ભરાયેલા પાણીનો નિકાલ થયો ન હતો. જેમાં મણિનગરના ભૈરવનાથ ચાર રસ્તા, ઓઢવ ફાયર સ્ટેશન પાસે અને ખારીકટ કેનાલ નજીકનો રોડ, લાંભા ટર્નિંગ રોડ, વટવા કેનાલ પાસે અલીફ નગર સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા હતા.
પાણીના નિકાલ માટે મ્યુનિ દ્વારા ખાસ કોઈ કામગીરી કરાઈ ન હતી. જેના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો. જો કે એક તરફ મ્યુનિ પ્રિ-મોન્સૂન પ્લાન હેઠળ કેચપીટો સાફ કરી હોવાનો અને સ્ટોર્મ વોટર લાઈનો નાંખી હોવાના દાવા કરે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી હતી.