રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ આવતો જ નથી
શહેરના અમરાઈવાડી વોર્ડમાં ચોકસીની ચાલી પાસે પોસ્ટ ઓફિસ રોડ પર છેલ્લા ચાર દિવસથી ગટર ઉભરાતાં તેના ગંદા પાણી ભરાઈ રહે છે. જેના કારણે વિસ્તારના રહીશો હેરાન-પરેશાન થઈ ગયા છે. સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કામગીરી કરાતી ન હોવાથી સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, અમરાઈવાડીની ચોકસીની ચાલી પાસે અવારનવાર ગટર ઉભરાવાની સમસ્યા છે. પરંતુ તેના કાયમી ઉકેલ માટે કોઈ કામગીરી કરાતી નથી. જેના કારણે લોકો પરેસાન છે. તેવામાં ફરી એકવાર ચાલી પાસેની ગટર ઉભરાઈ રહી છે. ચાર દિવસથી ગંદા પાણી રોડ પર ફરી વળતાં તીવ્ર દૂર્ગંધ મારતા લોકોને અવરવજવર કરવામાં તકલીફ પડી રહી છે.
ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જતાં મચ્છરજન્ય રોગના કેસોમાં વધારો થવાની આશંકા સેવાઈ રહી છે. આ મામલે સ્થાનિકો દ્વારા મ્યુનિ કોર્પોરેશનમાં રજૂઆતો કરાઈ હતી, પરંતુ અધિકારીઓ દ્વારા કામગીરી થઈ જશે કહીને માત્ર હૈયાધારણા જ આપવામાં આવી હતી. પરંતુ સમસ્યાના કાયમી ઉકેલની દિશામાં કોઈ કામગીરી કરાતી જ નથી. જેના કારણે નાગરિકોને હેરાન થવું પડે છે.