સમસ્યાના કાયમી ઉકેલ માટે કામ કરાતું નથી
શહેરના વસ્ત્રાલ વોર્ડમાં સિલ્વર સિટી સોસાયટી અને આસપાસના વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી મેઈન ગટરલાઈન બેક મારવાની સમસ્યા સર્જાય છે. આ મામલે વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાથી રહીશો હેરાન-પરેસાન થઈ ગયા છે. મ્યુનિ દ્વારા તાકિદે સમસ્યાના ઉકેલ માટેની કામગીરી કરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે.
આ અંગે સ્થાનિકોએ કહ્યું હતું કે, વસ્ત્રાલ વોર્ડમાં આવેલી સિલ્વર સીટી સોસાયટી,કર્મયોગ પાર્ક, માધવ પાર્ક વિભાગ-5 ના સંયુક્ત મુખ્ય ગેટ પાસે છેલ્લા દોઢ વર્ષથી મ્યુનિ.ની મેઈન ગટર લાઈન રોડ ઉપર બેક મારી રહી છે.
તેના આગળના ભાગમાં આવેલી પ્રકૃતિ રેસિડેન્સી પાસેની સરકારી શાળા નજીક પણ ગટર બેક મારે છે. મ્યુનિ. અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી થતી નથી.
કેટલાક અધિકારીઓ તરફથી નાગરિકોને જવાબ મળે છે કે, પ્રકૃતિ રેસીડેન્સી ઉપર છેલ્લા દોઢ વર્ષથી કામ ચાલુ છે, સમસ્યા મળશે એટલે તેનું નિરાકરણ થશે. જોકે ત્રણ સોસાયટીઓના મુખ્ય દ્વાર પાસે જ ગંદા પાણી ભરાયેલા હોવાથી સોસાયટીના બાળકો, વૃદ્ધ મહિલાઓને ના છુટકે આ ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. ઉપરાંત ગંદકીના લીધે મચ્છરજન્ય રોગના કેસોમાં વધારો થયો છે.