ગટરના ઉભરાતાં પાણી અને વરસાદી પાણી ખાડામાં મિકસ થતાં લોકોના આરોગ્ય સામે જોખમ
ચોમાસાની શરૂઆતથી આ સમસ્યા પ્રવર્તી રહી છે પરંતુ તંત્ર કોઈ જ પગલાં લેવા તૈયાર નથી
રામોલ હાથીજણ વોર્ડમાં આવેલી કામધેનુ સોસાયટીથી લઈને સંતદેવ સોસાયટી સુધીના કેનાલ પરના મુખ્યમાર્ગ પર પડી ગયેલા મોટા ખાડાઓને કારણે આસપાસથી પસાર થતા વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવુ પડી રહ્યુ છે. આ મામલે તમામ કોર્પોરેટરોને રજુઆત કરી હોવા છતાં આ સમસ્યાનો નિકાલ નહી થતા સ્થાનિક લોકોને નાછુટકે પોતાના જોખમે આ રોડ પરથી પસાર થવાની ફરજ પડી છે.
કામધેનુ સોસાયટીથી લઈને સંતદેવ સોસાયટીની આસપાસ કેનાલનો મુખ્યરોડ પડે છે. આ વર્ષે ભારે વરસાદના કારણે આ સમગ્ર રોડ પર ખાડા પડી ગયા છે. આ સંજોગોમાં કામધેનુ સોસાયટીના વળાંક પાસે ગટરના પાણી સતત ઉભરાતા હોઈ વરસાદી પાણી અને ગટરના પાણી મિકસ થઈને આ ખાડામાં ભરાઈ રહે છે. આ રોડ પરથી પસાર થતા વાહનચાલકો ખાડામાંથી વાહન કાઢતી વખતે અનેક વખત અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
આ અંગે સ્થાનિક રહીશ પ્રદિપ યાદવે જણાવ્યુ હતુ કે આ રોડની હાલત એટલી ખરાબ છે કે ઉમરલાયક માણસો અને નાના બાળકો કે મહિલાઓ આ રોડ પરથી ગમે ત્યારે ગબડી પડે તેમ છે.આ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ આ રોડ પર ખાડા પડી ગયા છે જેની તંત્રને જાણ છે પરંતુ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. બીજી બાજુ વરસાદી પાણી અને ગટરના પાણીની મિકસ થવાના કારણે આ વિસ્તારના લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઉભુ થયુ છે.
સ્થાનિક સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં ચારે કોર્પોરેટર સત્તાધારી પક્ષના છે પરંતુ લોકોની આ સમસ્યા અંગે તેઓ અજાણ હોય તેમ હજુ સુધી લોકોને અસર કરતા આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી.







