રોડ બિસમાર બની ગયો હોવાથી અકસ્માતનું જોખમ રહે છે
રોડનું સમારકામ કરવા વારંવાર રજૂઆત છતાં તંત્ર ઉદાસીન
શહેરના નારોલ બ્રિજના છેડાથી નારોલ ગામ તરફ જતાં દોઢ કિલોમીટરનો રસ્તો છેલ્લાં ઘણા સમયથી બિસમાર બની ગયો છે. જેના કારણે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. રોડ પર મોટા મોટા ગાબડા પડી ગયા હોવાથી વાહનો પલટી ખાઈ જવાની શક્યતા સેવાઈ રહી છે. એટલે આ રોડ પર અકસ્માત સર્જાવાનું જોખમ હોવાથી તાકિદે રોડનું સમારકામ કરવા લોકો માંગણી કરી રહ્યા છે.
આ અંગે સ્થાનિકોએ કહ્યું હતું કે, નેશનલ હાઈવે નં.8 ઈસનપુરથી નારોલ જતાં ઓવરબ્રિજના છેડાથી નારોલ ગામ તરફ જતા દોઢ કિલોમીટરના રોડ ઠેર ઠેર તુટી ગયેલો છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ હેરાન પરેસાન થઈ ગયા છે. સમગ્ર દોઢ કિલોમીટરના રોડ પર દસ-દસ ફુટના ગાબડા પડ્યા છે, તેમજ પાંચ દિવસથી વરસાદ બંધ છે તેમ છતાં ગાબડામાં પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકો ભૂલથી તેમાં પડી જાય તો બેલેન્સ ગુમાવી દેવાના લીધે અકસ્માતના બનાવો બની રહ્યા છે. ઈસનપુર અને લાંભા વોર્ડની હદમાં આવતા રોડનું સમારકામ કરવામાં એક પણ વોર્ડના જવાબદાર અધિકારીઓ આગળ આવતા નથી.
એટલે મામલે સ્થાનિક પ્રદિપ યાદવ દ્વારા મ્યુનિ.માં અને કાઉન્સિલરોને ફરિયાદો કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી. ઉપરાંત બિસમાર રોડના લીધે અવારનવાર નાના અકસ્માત થાય છે. નોંધનીય છે કે ટેક્સ ઉધરાવામાં અવ્વલ નંબરે રહેતું મ્યુનિ તંત્ર સારા રસ્તા આપવામાં પણ ઉદાસીતના દાખવી રહ્યું છે.