મહિલા પિયર ગઇ ત્યારે ચોરે ઘરને નિશાન બનાવ્યું
અમરાઈવાડીમાં રહેતા મહિલા વકીલના ઘરનુ તાળુ તોડી તસ્કરો રોકડા રૂ.1.50 લાખ અને સોનાચાંદીના દાગીના મળી કુલ રૂ. 3.43 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા.
અમરાઈવાડીમાં રહેતા અશ્વિનાબેન પરમાર કોર્ટમાં વકીલ તરીકે પ્રેકટીસ કરે છે. તેમના લગ્ન ચાર વર્ષ પહેલા શુભમભાઈ સાથે થયા હતા. છેલ્લા 20 દિવસથી અશ્વિના બેન તેમના પિયરમાં રહેવા માટે ગયા છે. દરમિયાન તેમના પતિ અને સાસુ અમરાઈવાડીના તેમના ગુપ્તા શેઠની ચાલીના મકાનમાં રહેતા હતા. ગત રવિવારે અશ્વિનાબેન પિયરમાં હતા.
ત્યારે પાડોશીનો ફોન આવ્યો અને જણાવ્યુ કે તમારા સાસુની સાથે નોકરી કરતા મધુબેન તેમને મળવા આવ્યા છે. પરંતુ તમારા સાસુ ઘરે નથી અને ઘરનો દરવાજો ખુલ્લો છે. જેથી અશ્વિનાબેને સાસુને ફોન કરતા તેઓ બહાર ગયા હોવાનુ જાણતા તેઓ તાત્કાલિક ઘરે આવ્યા હતા. ત્યારે જોયુ તો ઘરનો બધો સામાન વેરવિખેર હાલતમાં પડયો હતો.
બાદમાં તપાસ કરતા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 1.50 લાખ સહિત કુલ રૂ. 3.43 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે અશ્વિનાબેને અજાણ્યા ચોર સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે